જુનાગઢમાં ભારે વરસાદથી ગિરનાર પર્વત અને દાતાર પર્વત પર પાણીની આવક વધી છે, જેને લઈને નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પર્વત પર બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે.

આજે અમાસ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો પિતૃતર્પણ કરવા માટે દામોદર કુંડ આવ્યા હતા. જોકે, કુંડમાં પૂરની પરિસ્થિતિને કારણે વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સલામતી માટે દામોદર કુંડ, જટાશંકર અને વિલિંગડન ડેમ પર પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે.

યાત્રાળુઓને રોકવા માટે દામોદર કુંડ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લોકોને કુંડમાં પ્રવેશ ન કરવા દેવામાં આવી રહ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. વહીવટી તંત્રએ જણાવ્યું છે કે જ્યારે પાણીનું સ્તર નીચે જશે અને પરિસ્થિતિ સલામત બનશે, ત્યારે જ ભાવિકોને પિતૃતર્પણ માટે પ્રવેશ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે જુનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નદી-નાળાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here