રાજકોટઃ ગરવા ગઢ ગિરનારની પવિત્ર ભૂમિ જૂનાગઢમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. સારો વરસાદ વરસતાં ગિરનારનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે, અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આહ્લાદક દ્રશ્યો સર્જાયા છે.
ભારે વરસાદના પગલે દામોદર કુંડ છલકાઈ ગયો છે, અને તેની સાથે જ સોનરખ નદી ગાંડીતૂર બની વહેતી જોવા મળી રહી છે. દામોદર કુંડ છલકાતા મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રકૃતિના આ અદ્ભુત સૌંદર્યનો આનંદ માણવા ઉમટી પડ્યા હતા.
ભવનાથ વિસ્તારમાં વરસાદી માહોલ છવાતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને, વાઘેશ્વરી મંદિર નજીક પાણી ભરાતા લોકોને અવરજવરમાં હાલાકી વેઠવી પડી હતી.
જૂનાગઢ શહેરમાં વરસાદને કારણે ઠેર ઠેર પડેલા ખાડાઓનું સમારકામ કરવાની કામગીરી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જ્યાં મોટા ખાડા પડ્યા છે ત્યાં બેરિકેડ્સ મૂકીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, પોલીસ પણ સતત ખડેપગે રહીને પ્રશંસનીય કામગીરી કરી રહી છે, જેથી નાગરિકોને કોઈ અસુવિધા ન પડે.