ગાંધીનગરઃ જિલ્લામાં ખનીજચોરી વધતા જાય છે. સાબરમતી સહિત નદીઓમાં દિવર-રાત ખનન કરીને રેતીની બેરોકટોક ચોરી કરવામાં આવતી હોય છેય ત્યારે જિલ્લા કલેકટરના આદેશથી ખનીજ માફિયાઓ સામે ફરી એકવાર ભૂસ્તર તંત્ર દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. અનોડિયા ખાતે નદીમાં ચાલતા ગેરકાયદે ખનન પર દરોડો પાડી કરોડોના સાધનો જપ્ત કરવામાં આવ્યા બાદ માર્ગો પર ગેરકાયદે રેતીની હેરફેર સામે પણ પગલાં લેવામાં આવ્યા છે. ભૂસ્તર તંત્રની ટીમોએ વિવિધ વિસ્તારોમાંથી 9 જેટલા ટ્રક પકડીને પાસ- પરમીટ વગર ગેરકાયદેસર લઇ જવાતી 329.53 મેટ્રીક ટન રેતીની ચોરી અટકાવી હતી. તમામ ટ્રક સહિત 2.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદે ખનિજ વહન અટકાવવા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના બાદ ભૂસ્તર તંત્રની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરુણ શર્માએ ખાત્રજ ચોકડી અને કલોલ રોડ પર આકસ્મિક તપાસ કરતાં 4 ડમ્પરો રોયલ્ટી પાસ વગર પકડાયા હતા. માઈન્સ સુપરવાઇઝર રણછોડભાઈ આહીરે ટીંટોડા ચોકડી ખાતે 5 ડમ્પરો પકડ્યા હતા. ખાત્રજ ચોકડી પાસેથી ત્રણ ડમ્પરોમાં અનુક્રમે 49.980 મેટ્રીક ટન, 46.270 મેટ્રીક ટન અને 52.120 મેટ્રિક ટન સાદી રેતી મળી હતી. કલોલ રોડ પરથી એક ડમ્પરમાંથી 40 મેટ્રિક ટન રેતી મળી આવી હતી. આ તમામ વાહનો રોયલ્ટી પાસ વગર મળ્યા હતા. ટીંટોડા ચોકડી પાસેથી પાંચ ડમ્પરો પકડાયા તેમાંથી ત્રણ ડમ્પરો રોયલ્ટી પાસ વગર અને બે ડમ્પરો ઓવરલોડ હતા. આ વાહનોમાં 52.730 મેટ્રીક ટન, 36.00 મેટ્રીક ટન, 11.53 મેટ્રીક ટન, 7.23 મેટ્રીક ટન અને 33.670 મેટ્રિક ટન રેતી મળી હતી. વાહન માલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ નિયમો-2017 હેઠળ દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.