ગાંધીનગરઃ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં કેટલાક શિક્ષકો મંજુરી લઈને રજા મુકીને વિદેશ પ્રવાસે જતા હોય છે. ત્યારબાદ રજા પુરી થવા છતાંય પરત ફરતા નથી.  વિદેશ પ્રવાસે ગયા બાદ સતત એક વર્ષ કરતા વધુ સમય શાળામાં હાજર નહીં થતાં નોટિસો આપતા તેનો જવાબ ન આપતા ત્રણ શિક્ષકોને બરતરફ કરી દેવામાં આવ્યા છે.

ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો-2002ના નિયમ-16(1)ની જોગવાઇ મુજબ રામનગર, ઇન્દિરાનગર અને કેશરાજીની મુવાડી પ્રાથમિક શાળાના શિક્ષકોને બરતરફ કર્યા  છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો વિદેશ પ્રવાસની રજાઓ મંજૂર કરાવીને જતા હોય છે. ત્યારબાદ મંજૂર કરાવેલી રજાઓ પૂર્ણ થવા છતાં વિદેશમાં ગયેલા શિક્ષકો શાળામાં હાજર થતા નથી. આથી શાળાના બાળકોના શૈક્ષણિક કાર્ય ઉપર તેની ગંભીર અસર પડતી હોય છે. ત્યારે બાળકોના શિક્ષણના હિતને ધ્યાનમાં રાખીને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા નોટીસ આપ્યા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પણ નિયમોનુસાર વિદેશમાં ગયેલા શિક્ષકોને નોટીસ ફટકારવામાં આવી હતી.

વિદેશમાં ગયેલા શિક્ષકોને નોટીસ આપીને શાળામાં હાજર થવા તેમજ જવાબ આપવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવે છે. તેમ છતાં વિદેશ ગયેલા શિક્ષકો નોટીસનો જવાબ પણ આપતા નથી. ઉપરાંત નોટીસ આપવા છતાં વિદેશ ગયેલા શિક્ષકો શાળામાં હાજર પણ થતાં નથી. વિદેશ ગયેલા શિક્ષકો એક વર્ષ કરતા વધુ સમયથી શાળામાં હાજર નહીં થતાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય ઉપર માઠી અસર પડતી હોય છે. ઉપરાંત વિદેશ ગયેલા શિક્ષકોને નોટીસ આપવા છતાં હાજર નહીં થતાં શાળાનું સેટઅપ રોકાયેલું રહેવાથી શાળાને નવા શિક્ષક મળતા નથી. આથી વિદેશમાં ગયેલા શિક્ષકોને કારણે શાળામાં શિક્ષકોની ઘટ વચ્ચે બાળકોને શૈક્ષણિક કાર્ય કરાવવાની ફરજ પડતી હોય છે. તેનાથી બાળકોના શૈક્ષણિક કાર્ય ઉપર માઠી અસર પડતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here