ગાંધીનગરઃ આજે ગાંધીનગર ખાતે રાજ્યના સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ  કમલ દયાણીના હસ્તે ત્રિદિવસીય ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા, 2024-25’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સચિવાલય કલ્યાણ સમિતિ અંતર્ગત ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા ગાંધીનગરના સેકટર-૨૧ ખાતે આવેલા સચિવાલય જીમખાનામાં આજે તા.05 થી 07 માર્ચ, 2025 દરમિયાન આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય તરણ સ્પર્ધામાં દેશના 13 રાજ્યો, 12 રીજીયોનલ સ્પોર્ટ્સ બોર્ડ અને 04 યુનિયન ટેરીટરીની 29 ટીમોના અંદાજે કુલ 409 ખેલાડીઓ તથા અધિકારીઓ સહભાગી થશે.

આ પ્રસંગે સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ  કમલ દયાણીએ જણાવ્યું કે, સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ દ્વારા અધિકારી-કર્મચારીઓ માટે વિવિધ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેને રાજ્ય સરકાર દ્વારા હંમેશા સહયોગ આપવામાં આવે છે. અગાઉ પણ ગુજરાત સરકાર દ્વારા કુલ 6 વખત તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકાર ટેબલ ટેનિસ, વોલીબોલ, તરણ, કબડ્ડી, ચેસ, બેડમિન્ટન જેવી વિવિધ અખિલ ભારતીય મુલ્કી સેવા સ્પર્ધાઓનું સતત આયોજન કરતી રહી છે.

અધિક મુખ્ય સચિવએ વધુમાં જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર હરહંમેશ વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી-સ્પર્ધાઓ દ્વારા ખેલાડીઓના કૌશલ્યને બહાર લાવીને તેમને પ્રોત્સાહિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં ગ્રામીણ, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે વિવિધ સ્પર્ધાઓ દ્વારા ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના છેલ્લા ઘણા વર્ષોના અથાગ પ્રયાસો થકી ઉચ્ચ કૌશલ્ય ધરાવતા ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભાગ લઈને દેશનું અને રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં ખેલાડીઓને ખેલ પ્રત્યે રૂચિ વધે અને વધુમાં વધુ સુવિધાઓ મળી રહે તે માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની કામગીરી પણ સતત આગળ વધી રહી છે.

આ ઉદ્ઘાટન સમારોહમાં માર્ગ અને મકાન વિભાગના સચિવ  પી.આર.પટેલીયા, અધિક સચિવ-પ્રોટોકોલ  જ્વલંત ત્રિવેદી, ગાંધીનગરના કલેક્ટર  મેહુલ દવે, સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડના કન્વીનર  બ્રિજેશ પંત, ગુજરાત સ્ટેટ એક્વેટિક એસોસિયેશનના પ્રમુખ તથા કોમ્પિટિશન ડાયરેક્ટર  કમલેશ નાણાવટી, AICSના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી  સત્કાર દેસાઈ સહિત વિવિધ ટીમોના ખેલાડીઓ અને તેમના કોચ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here