ગાંધીનગરઃ  રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણીમાં માજી સૈનિકો છેલ્લા 19 દિવસથી વિવિધ માગણીઓના ઉકેલ માટે આંદોલન કરી રહ્યા છે. આજે ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા માજી સૈનિકો અને ‘ગુજરાત માજી સૈનિક સંગઠન’ દ્વારા 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પાંચ સૈનિકો પ્રતીક ઉપવાસ પર બેઠા છે. આ આંદોલન સરકાર દ્વારા માજી સૈનિકોની ભરતીમાં લાગુ કરાયેલા લઘુત્તમ લાયકાત ધોરણો સામે વિરોધ કરી રહ્યા છે.

ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે માજી સૈનિકોનું આંદોલન આજે 19માં દિવસમાં પ્રવેશ્યુ છે. માજી સૈનિકોની મુખ્ય માંગણી સરકારી નોકરીઓમાં અનામતના અમલીકરણની છે. આ ઉપરાંત ખેતી અને પ્લોટિંગ માટે જમીન, હથિયાર લાઇસન્સ, અને પગાર રક્ષણ જેવા મુદ્દાઓ પર પણ તેઓ સરકાર સમક્ષ ન્યાયની માગણી કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે આ નિયમો હોવા છતાં તેનું યોગ્ય પાલન થતું નથી, જેના કારણે વિસંગતતાઓ સર્જાય છે.

માજી સૈનિક સેવા સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતે જણાવ્યું કે, ​’આજે અમારા આંદોલનને 19 દિવસ પૂરા થયા છે. અનામતના અમલીકરણને લઈને અમે ધરણા પર બેઠા છીએ. સરકાર સાથે વાતચીત ચાલુ છે, પરંતુ હજુ સુધી કોઈ સુખદ નિરાકરણ આવ્યું નથી.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આથી અમારા પાંચ સૈનિકો આજે પ્રતીક ઉપવાસ પર બેઠા છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ સૈનિકોને રોડ પર બેસવું ન પડે અને વહેલી તકે આ મુદ્દાનું નિરાકરણ લાવવામાં આવે, કારણ કે આ ગુજરાત માટે એક કલંક છે.’ જો આગામી દિવસોમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તારીખ 19 ઓગસ્ટ, 2025ના રોજ એક મહારેલીનું આયોજન કરવામાં આવશે, જેમાં અંદાજે ત્રણથી ચાર હજાર ભૂતપૂર્વ સૈનિકો જોડાશે. જો આ પછી પણ નિરાકરણ નહીં આવે, તો અન્ય સંગઠનો અને આમ જનતાના સહયોગથી સમગ્ર ગુજરાતમાં એક વિશાળ જનમેદની ભેગી કરીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.​​​​​​​

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here