ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. ત્યારે ગણા વિસ્તારોમાં બેરોકટોક ગેરકાયદે દબાણો પણ થયા છે. ત્યારે શહેરના ઘ-7 સર્કલથી પેથારપુર રોડ સુધી દબાણો થયા હોવાની ફરિયાદો મળતા પાટનગર યોજના વિભાગે 800 દબાણકર્તાઓને નોટિસ ફટકારીને પખવાડિયામાં માલિકી હક્કના પુરાવા આપીને ખૂલાશો કરવા તાકીદ કરતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગાંધીનગર શહેરમાં ઘ-7 સર્કલથી લઈને પેથાપુર સુધીના વિસ્તારમાં દબાણ હટાવ અભિયાન શરૂ થયું છે. પાટનગર યોજના વિભાગે આ વિસ્તારમાં આવેલા 800 જેટલા કાચા-પાકા દબાણોને નોટિસ આપી છે. નોટિસમાં દબાણકર્તાઓને સાત દિવસની અંદર જમીનના માલિકી હકના પુરાવા રજૂ કરવા અથવા દબાણ જાતે હટાવી લેવા જણાવાયું છે. સરકારી જમીન પર થયેલા આ દબાણો હટાવવા માટે તંત્ર કટિબદ્ધ છે. ઘ-7 સર્કલથી ચરેડી, ચરેડીથી સ્મશાન સુધી અને પેથાપુરના પાછળના વિસ્તારોમાં દબાણોનો રાફડો ફાટ્યો છે. આ દબાણો હટાવવા માટે પાટનગર યોજના વિભાગ અને કોર્પોરેશન બંને સક્રિય થયા છે.
પાટનગર યોજના વિભાગે 800 દબાણકર્તાઓને નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જો દબાણકર્તાઓ જાતે દબાણ નહીં હટાવે તો કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી પ્રાંત અધિકારી, દબાણ મામલતદાર, જિલ્લા પોલીસ વડા અને મ્યુનિ. કોર્પોરેશનના પરામર્શમાં રહીને કરવામાં આવશે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન માલસામાનને થનારા નુકસાનની જવાબદારી સંપૂર્ણપણે દબાણકર્તાની રહેશે. આટલી મોટી સંખ્યામાં દબાણો હટાવવા માટે તંત્રને પોલીસ બંદોબસ્તનો સહારો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ અભિયાન સફળ થાય તો ગાંધીનગરના આ વિસ્તારોમાં વર્ષોથી થયેલા અનધિકૃત દબાણો દૂર થશે. હાલ તંત્ર દ્વારા આ કામગીરી માટે આયોજન ચાલુ છે.