ગાંધીનગરઃ રાજ્ય સરકારમાં અથવા તો નગરપાલિકા કે મહાનગરપાલિકામાં સત્તાસ્થાને બેઠેલા પ્રજાના ટેક્સની તિજોરીના રખેવાળ ગણાય છે. ઘણીવાર પ્રજાના ટેક્સના રૂપિયાની બરબાદી કરતા નિર્ણયો લેવામાં આવતા હોય છે. ગાંધનગરમાં જ આલો એક બનાવ બન્યો છે. પ્રજાના ટેક્સના નાણાથી રૂપિયા 32 કરોડના ખર્ચે બનાવાયેલો નવો નક્કોર આઈકોનીક રોડ બનાવી દીધા બાદ તંત્રને યાદ આવ્યું કે નળ-ગટરની લાઈનો નાંખવાનું તો રહી ગયું છે. તેથી પાણી અને ડ્રેનેજની લાઈન માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો તંત્રનો આ તમાશો જોઈ રહ્યા છે.
પાટનગર ગણાતા ગાંધીનગરમાં ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના 6 કિલોમીટર લાંબા આઈકોનિક રોડની કામગીરીમાં તંત્રની બેદરકારી સામે આવી છે. 32 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ રોડને હવે ગટર અને પાણીની પાઈપલાઈન નાખવા માટે ફરીથી ખોદવામાં આવી રહ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત માત્ર 60 દિવસમાં તૈયાર કરાયેલા આ રોડમાં લેન્ડસ્કેપિંગ, સાઈકલ ટ્રેક, વૉકિંગ ટ્રેક, પંચમેશ્વર જંક્શન, આઈકોનિક આઈલેન્ડ અને સિગ્નેચર ગાર્ડનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પંચમેશ્વર સર્કલ પર અને આજુબાજુના આઈલેન્ડ પર 6,000 જેટલા ફૂલછોડ વાવવામાં આવ્યા હતા.હવે આ આઈકોનિક રોડ તોડવામાં આવી રહ્યો છે.
ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બીહોલાના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશને વિકાસ કાર્યો કરતા પહેલા સંબંધિત વિભાગો સાથે યોગ્ય સંકલન કરવું જોઈતું હતું. આ બેદરકારીને કારણે હવે રોડને ફરીથી રિપેર કરવો પડશે, જે પ્રજાના ટેક્સના નાણાંનો વધારાનો બોજ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ આઈકોનિક રોડની મુલાકાત લઈ ચૂક્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્મિત આ રોડ શહેરની આગવી ઓળખ બનવાનો હતો, પરંતુ અયોગ્ય આયોજનને કારણે રોડ તેડવાની નોબત આવતા નગરજનોમાં નારાજગી જોવા મળી રહી છે.