ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આજે ગાંધીનગર ખાતે રેલી યોજાઈ રહી છે જે રેલી ગાંધીનગરના ઘ 1.5 સર્કલ થી સત્યાગ્રહ છાવણી સુધી જશે. આજે બપોરે 12 થી 4 વાગ્યા સુધી, ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા યોજાઈ રહી છે, જેમાં હજારોની સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે રેલી કાઢવામાં આવી છે.

રાજ્યભરની આંગણવાડીમાં કામ કરતી મહિલાઓના કેટલાક મહત્ત્વના પ્રશ્નો ઘણા સમયથી અનિર્ણીત છે અને તે વિષયો પર સરકારના જુદા-જુદા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવા છતાં ઉકેલાયા નથી. જેના પગલે આજે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતભરમાંથી આંગણવાડીમાં કામ કરતી મહિલાઓ પોતાના પ્રશ્નોને વાચા આપવા વિશાળ આક્રોશ રેલી નીકળી હતી. બાદમાં સેકટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે સમાપન સભા યોજી એક પ્રતિનિધિ મંડળ દ્વારા મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ સચિવને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.

આંગણવાડી બહેનોએ એવી માગ કરી છે કે, તેમના પર વધારાની કામગીરીનું ભારણ અને આધુનિક સાધનોની અછતને કારણે તેમની પ્રાથમિક જવાબદારીઓ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ વિરોધ પ્રદર્શન દ્વારા તેમની સમસ્યાઓ સરકાર સમક્ષ મૂકવાનો હેતુ છે. આ ઉપરાંત, FRSમાં સ્માર્ટફોનની અછત અને તેના સાથે જોડાયેલી તકનીકી સમસ્યાઓને લઈને પણ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ભારતીય કર્મચારી મહા સંઘના નેજા હેઠળ આ સત્યાગ્રહ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે રેલી યોજવામાં આવી હતી. જેમાં રાજ્યભરની આંગણવાડી કર્મચારીઓ જોડાયા હતા.

ગુજરાતની આંગણવાડી બહેનો અને સહાયકોના હકો અને સમાનતાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જે 2 ઓગસ્ટ, 2024ના રોજ પસાર થયો હતો અને 30 ઓક્ટોબર, 2024ના રોજ પોર્ટલ પર અપલોડ થયો હતો. આ ચુકાદા દ્વારા આંગણવાડી કર્મચારીઓને સ્થાયી સરકારી નોકરીના હકદાર તરીકે ઓળખવામાં આવ્યા છે, જેનાથી તેમની લાંબા સમયથી ચાલતી માંગણીઓને મજબૂતી મળી છે. હાઇકોર્ટે સરકારોને આ નીતિ 6 મહિનાની અંદર (જે 2 ફેબ્રુઆરી, 2025 સુધી) ઘડવાનો આદેશ આપ્યો હતો, જેના આધારે આંગણવાડી કર્મચારીઓની સ્થિતિમાં સુધારો થઈ શકે. પરંતુ, આ ચુકાદાનું પાલન ન થવા પર આજે આંગણવાડી બહેનો દ્વારા વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here