ગાંધીનગરઃ ચોમાસાની ઋતુમાં ફુડ પોઈઝનિંગના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાટનગર ગાંધીનગરના સેક્ટર-7માં આવેલી ચૌધરી સ્કૂલની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. સ્કૂલની હોસ્ટેલમાં રહેતી 12 વિદ્યાર્થિનીઓને ભોજન લીધા બાદ ઝાડા-ઉલટી થતાં વિદ્યાર્થિનીઓને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે વિદ્યાર્થિનીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવારની જરૂરિયાત ન જણાતા રજા આપવામાં આવી હતી.

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, ગાંધીનગરમાં સેક્ટર-7માં આવેલી ચૌધરી સ્કૂલની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ સાંજે પનીરનું શાક ખાધું હતું. અને બીજા દિવસે 12 વિદ્યાર્થિનીઓની તબિયત લથડતાં તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. તબીબોએ ત્વરિત સારવાર આપી હતી. કોઈપણ વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી. આ ઘટનાની જાણ થતાં મ્યુનિ. કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સક્રિય થયું હતું. આરોગ્ય ટીમને ચૌધરી કેમ્પસમાં મોકલવામાં આવી હતી. હોસ્ટેલમાં રહેતી 200 વિદ્યાર્થીનીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. 12 વિદ્યાર્થિનીઓ સિવાય અન્ય કોઈ નવો કેસ મોડી સાંજ સુધી નોંધાયો નથી. સાવચેતીના પગલાં રૂપે આરોગ્ય ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ અભ્યાસની સાથે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ ભાગ લે છે અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here