ગાંધીનગર : રાજ્યમાં બે દિવસ થયેલા કમોસમી વરસાદથી સૌથી વધુ નુકશાન ખેડૂતને થયું છે. જે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વની માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી છે. તેમણે જણાવ્યું કે, બે દિવસમાં રાજ્યના 236 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના લીધે અંદાજે 3થી 4 લાખ હેક્ટરના પાકને નુકશાન થયું છે. મોટા ભાગે વરસાદને કારણે કપાસ, અરેંડા, તુવેરને નુકશાન થયું છે. રાજ્યમાં આકાશી આફતથી કુલ કેટલું નુકશાન થયું તે સર્વેની કામગીરી ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે માવઠા અંગે માહિતી આપતા જણાવ્યું કે, તુવેરના પાકનું વાવેતર 2 લાખ હેક્ટરમાં થયું છે. જેને મોટા ભાગે નુકશાન થયાની માહિતી મળી રહી છે. રાજ્યમાં ખરીફ પાકને નુકશાની થયાની ભીતિ છે. જોકે અગાઉ જાહેર કરાયેલ સૂચનાના કારણે મોટા ભાગે ખેડૂતોએ પાકને સુરક્ષિત કર્યો હતો. જેમાં સાવચેતીના પગલાના કારણે ખેડૂતોને ઓછુ નુકશાન વેઠવું પડ્યું છે. ઉપરાંત ઉભા પાક અંગે કૃષિ મંત્રીએ જણાવ્યું કે, 25 લાખ હેક્ટર અરેંડા, કપાસ, તુવેર જેવા પાકો ઉભા હતા. રવિપાકનો પ્રારંભિક તબક્કો હોવાથી ઓછા નુક્શાન થવાની શક્યતા છે. કપાસ અને દીવેલામાં પણ મોટું નુકશાન થયું નથી. તેમજ બાગાયતી પાકોમાં પણ નહીવત નુકશાન થયું છે. આ માટે 33 ટકાથી વધુ નુકશાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળવાપાત્ર  છે. SDRF નિયમ પ્રમાણે હેક્ટર દીઠ રૂ. 6800ની સહાય અપાશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here