નડિયાદઃ  જિલ્લાના મહુધામાં બપોરના ટાણે લૂંટારૂ શખસોએ એક નિવૃત શિક્ષના ઘરમાં ઘૂંસીને તેને બંધક બનાવીને બે લાખની મત્તા લૂંટીને લૂંટારૂ શખસો પલાયન થઈ ગયા હતા. ધોળે દહાડે બનેલા આ બનાવને લીધે ચકચાર મચી ગઈ હતી. ઘટનાને લઈ મહુધા પોલીસે સ્થળ પર પહોંચી લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, મહુધા શહેરના રોહિતવાસમાં રહેતા 80 વર્ષીય નિવૃત શિક્ષક જેઠાભાઈ મકવાણા પ્રથમ માળે પોતાના પત્ની સાથે રહે છે. જેઠાભાઈ પોતાના ઘરે પાછળના રૂમમાં બેઠા હતા તે દરમિયાન ત્રણ ઈસમો અચાનક તેમના ઘરે આવી પહોંચ્યા હતા.જ્યાં રૂમમાં બેઠેલા જેઠાભાઈ પર ચાદર નાંખી તેમના હાથ પગ બાંધી બંધક બનાવી દીધા હતા, અને તેમને ઘરમાં દાગીના રૂપિયા જે હોય તે બધું આપી દેવા જણાવ્યું હતુ. જેઠાભાઈએ ના પાડતા તેમને પગ પર છરીથી ઘસરકો કરતા ડરી જતા તેમણે ઘરમાં રહેલા રૂપિયા આપી દીધા હતા.તિજોરીમાંથી રૂપિયા 1,85,000 અને બીજા એક કબાટમાંથી રૂપિયા 17,000 જેટલી રોકડ રકમ લઈ લીધી હતી. હાથ પર પહેરેલી વીંટી પણ કાઢી લીધી હતી આમ કુલ રૂપિયા બે લાખ તેર હજારનો મુદ્દામાલ લૂંટી લૂંટારૂ શખસો ફરાર થઈ ગયા હતા

ઘટનાને પગલે જેઠાભાઈએ મહુધા પોલીસ સ્ટેશને પહોંચી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.જેને લઈ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. આ બાબતે મહુધા પોલિસ સ્ટેશનના પીઆઈ આર.કે.ગોહિલે જણાવ્યું હતું કે મામલામાં ત્રણ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.હાલ આરોપીઓને ઝડપી પાડવા સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.

લૂંટનો ભોગ બનેલા ફરિયાદી જેઠાભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે તેઓ નિવૃત શિક્ષક છે અને તેમની ઉંમર 80 વર્ષ છે, તેઓ મહુધાના રોહિતવાસમાં રહે છે. તે અને તેમના પત્ની ઉપરના માળે રહે છે.જ્યારે તેમનો નાનો ભાઈ નીચે રહે છે. લગભગ બપોરે દોઢ વાગે ત્રણ શખસો આવ્યા હતા, હું પાછલા રૂમમાં હતો. મારી ઉપર ચાદર ઓઢાડી દીધી અને ખેંચીને મોઢું બંધ કરી દીધું અને પછી નીચે બેસાડી દઈને હાથ પગ બાંધી દીધા પછી કહ્યું તિજોરીની અંદર જે દાગીના પૈસા હોય તે આપી દો. મે ના પાડી તો પગ ઉપર છરીથી ઘસરકો કર્યો એટલે બીકના માર્યા મેં બધું આપી દીધુ. તિજોરીમાંથી એક લાખ પંચાશી હજાર હતા અને મારા હાથની અંગુઠી કાઢી ગયા. બીજા એક કબાટની અંદર જે ચાવી આપી હતી એ કબાટની અંદર સત્તર હજાર રૂપિયા જેવા હતા.એ પણ એમની જાતે પાકીટની અંદરથી ખોલીને લઈ ગયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here