નડિયાદઃ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા ગામે વીજળીનો કરંટ લાગતા બાળકી સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. કૂવાની મોટરના ખૂલ્લા વાયરને એક બાળકીએ સ્પર્શ કરતા તેને વીજળીનો કરંટ લાગ્યો હતો. આથી બાળકીને બચાવવા જતા તેની માતા અને ભાઈને પણ વીજીનો કરંટ લાગતા ત્રણેયના મોત નિપજ્યા હતા.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ખેડાના ઠાસરા તાલુકાના આગરવા ગામે કૂવાની મોટરમાં ખેતી વિષયક જોડાણ મેળવેલું હતું. વીજ મોટરનો કરંટ ચાલુ હતો તે દરમિયાન બે વર્ષની બાળકી મીરાએ ખૂલ્લા વાયરને સ્પર્શ કરતા વીજકરંટ લાગ્યો હતા.આથી બાળકીએ બુમ પાડતા તેની 39 વર્ષીય માતા ગીતાબહેન પરમાર અને ભાઈ દક્ષેશ પરમાર તેને બચાવવા દોડી ગયા હતાં. જોકે, વીજકરંટ તીવ્ર હોવાના કારણે ત્રણેયનું શોક લાગવાના કારણે મોત નિપજ્યું હતું. આ દરમિયાન અન્ય એક લીલાબહેન નામની મહિલા ત્રણેયને બચાવવા આવી તો તે પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

આ બનાવની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. અને વીજળી લાઈન બંધ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સિવાય ઈજાગ્રસ્ત લીલાબહેન હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી કુટંબીજનો તેમજ ગ્રામજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here