અમદાવાદઃ ગુજરાતમાં વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરિવાલ ગુજરાતમાં વધુ રસ લઈ રહ્યા છે. કેજરિવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે મોડાસા અને ડેડિયાપાડામાં જનસંપર્ક રેલી યોજી હતી. આ રેલી પહેલા  વડોદરા આવેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ સરકારને અહંકારી ગણાવી તેમના રાજમાં ભ્રષ્ટાચારીઓ ખુલ્લેઆમ ફરતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિસાવદરનો દાખલો આપી નવી જનરેશન બદલાવ ઈચ્છે છે તેમ કહીને કોંગ્રેસ ભાજપની બી ટીમ હોવાનો આક્ષેપ કર્યો હતો.

વડોદરા આવેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર કેજરિવાલે કહ્યું હતું, કે ગુજરાતમાં 30 વર્ષથી બીજેપીની સરકાર છે,  એટલો બધો અહંકાર છે કે બોનસ અને દૂધના ભાવો વધારવા માટે પશુપાલકો- ખેડૂતોએ કરેલા વિરોધ પ્રદર્શનમાં તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. તેમના પર દમન ગુજારવામાં આવ્યું હતું, જેના કારણે એક ખેડૂતનું મોત થયું હતું. જ્યારે ડેડિયાપાડાના આદિવાસી નેતા ચૈતર વસાવાએ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો તો તેમને જેલમાં મોકલી આપ્યા છે. જ્યારે ભાજપના રાજમાં ભ્રષ્ટાચારીઓ ખુલ્લેઆમ કરે છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ સરકાર સામે કટાક્ષ કરી કહ્યું હતું કે, 30 વર્ષ જૂના તાનાશાહી રાજ સામે 10 વર્ષ જૂની પાર્ટી ટક્કર આપી રહી છે. નવી જનરેશન બદલાવ ઈચ્છે છે. જેનું ઉત્તમ ઉદાહરણ વિસાવદરની ચૂંટણી છે. તેમણે કોંગ્રેસ સામે કટાક્ષ કરી કહ્યું હતું કે, કોંગ્રેસ ભાજપની બી ટીમ છે, અસલ વિપક્ષ તો અમે જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here