અમદાવાદઃ કોંગ્રેસના હાઈ કમાન્ડ દ્વારા હવે ગુજરાત પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અને ગુજરાત કોંગ્રેસના નેતાઓને પણ નવી જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત દેશના ચાર રાજ્યો માટે કુલ 105 નિરીક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણયમાં ગુજરાત કોંગ્રેસના 12થી વધુ નેતાઓને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિરીક્ષકો તાત્કાલિક અસરથી સંબંધિત રાજ્યોમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ (DCC)ના પ્રમુખોની પસંદગી પ્રક્રિયામાં ભાગ લેશે.

દેશના ચાર રાજ્યો પંજાબ, ઉત્તરાખંડ, ઝારખંડ અને ઓડિશા રાજ્યમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખો નક્કી કરવા માટે સમિતિઓમાં ગુજરાતના 10થી વધુ દિગ્ગજ નેતાઓને સ્થાન મળ્યું છે. જેમાં ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર,  અમીબેન યાજ્ઞિક, હિંમતસિંહ પટેલ , લાલજીભાઈ દેસાઈ, અનંતભાઈ પટેલ,  અમૃતજી ઠાકોર , ઇમરાન ખેડાવાલા, બિમલભાઈ શાહ  અને પલક વર્માનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ પંજાબ, ઉત્તરાખંડ, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં સંગઠનને મજબૂત કરવા માટે નિરીક્ષક તરીકે સેવા આપશે.

પંજાબ માટે કુલ 29 નિરીક્ષકોની યાદી તૈયારી કરાઇ છે. જેમાં ગુજરાતના બે નેતા, ભરતસિંહ સોલંકી અને લાલજી દેસાઈનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તરાખંડ માટે કુલ 26 નિરીક્ષકોની યાદી તૈયાર કરાઇ છે જેમાં જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, અને અમૃત ઠાકોર સહિત ગુજરાતના પાંચ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

જ્યારે ઝારખંડ માટે કુલ 25 નિરીક્ષકોની યાદી તૈયારી કરાઇ છે. જેમાં ગુજરાતના ત્રણ નેતા, ડૉ. અમી યાજ્ઞિક, અનંત પટેલ, અને ઈમરાન ખેડાવાલાના નામ સામેલ છે. જ્યારે ઓડિશા માટે કુલ 35 નિરીક્ષકોની યાદી તૈયારી કરાઇ છે. જેમાં ગુજરાતના એક નેતા બિમલ શાહનો સમાવેશ થાય છે. આ નિમણૂકો કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્તરે સંગઠનને મજબૂત કરવાના પ્રયાસોનો એક ભાગ છે, જેમાં ગુજરાતના નેતાઓને રાષ્ટ્રીય કક્ષાએ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ પગલાથી પાર્ટીના સંગઠનમાં નવી ગતિશીલતા આવવાની અપેક્ષા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here