અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે થયેલા આતંકી હુમલામાં 27  પ્રવાસીઓના મોત થયા હતા. કાશ્મીરમાં થયેલા આ કાયરતા ભરેલા કૃત્યના દેશ અને દુનિયામાં પડઘા પડ્યા છે. આ આતંકી હુમલાના પગલે દેશભરમાં હાઇએલર્ટ આપી દેવાયું છે અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઇ ગઇ છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પોલીસ તેમજ એજન્સીઓએ કોમી હિંસા ભડકે નહીં તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં તમામ સુપ્રસિદ્ધ મંદિરોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલી આંતકી હુમલા બાદ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. એરપોર્ટ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિત ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. આ ઉપરાંત અંબાજી, સોમનાથ, દ્વારકા, પાવાગઢ સહિતનાં ધાર્મિક સ્થળોએ પોલીસની સ્પેશિયલ ટીમો તહેનાત કરી દેવાઇ છે. સોમનાથ અને દ્વારકા દરિયા કિનારે આવેલા હોવાથી ત્યાં હાઇ એલર્ટ આપી દેવાયું છે.

બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, અંબાજી મંદિરમાં સ્નાઇપર સ્ટેન્ડ બાય કરી દેવાયા છે. જ્યારે એસઓજીની ટીમ પણ મંદિર ખાતે તહેનાત કરી દેવાઇ છે. ક્વિક રીસ્પોન્સ ટીમ પણ આજથી મંદિરમાં રહેશે. મંદિરમાં આવતા તમામ શ્રધ્ધાળુઓનું ચેકિંગ કરવામાં આવશે જ્યારે કોઇ અનિચ્છની બનાવ બને માટેની તમામ તૈયારીઓ કરી દેવાઇ છે.

આતંકી હુમલાના સંકટ વચ્ચે રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં શાંતિ જળવાઇ રહે તે માટે ગાંધીનગર ખાતે અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. રાજ્યના સંવેદનશીલ ગણાતા વિસ્તારો કે જ્યાં છાશવારે કોમી છમકલું થાય તેવા વિસ્તારોમાં સૌથી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here