ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘દરેક માતા-બાળક રહે સ્વસ્થ’ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતે SDG-3 ઇન્ડેક્સ અનુસાર, મિશન ઇન્દ્રધનુષ હેઠળ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ (UIP) માં 95.95% રસીકરણ કરીને રાષ્ટ્રીય સરેરાશ (93.23%) કરતા સારું પ્રદર્શન કર્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે નવજાત શિશુઓ અને સગર્ભા મહિલાઓ સુધી રસીકરણની સેવાઓ પહોંચાડવા માટે અસરકારક પહેલ કરી છે, જેના કારણે આ સકારાત્મક પરિણામો હાંસલ થયા છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે ગુજરાતનો આરોગ્ય વિભાગ 15 અને 16 માર્ચના રોજ ઓરી / રૂબેલા જેવા રોગો માટે વિશિષ્ટ રસીકરણ અભિયાન પણ ચલાવવા માટે સજ્જ થઈ રહ્યો છે.

વર્ષ 2024-25 (એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાન)માં ગુજરાતમાં 1 વર્ષની ઉંમરના બાળકોનું સંપૂર્ણ સરેરાશ રસીકરણ કવરેજ 98% રહ્યું. તેમાંથી કેટલીક રસીઓના આંકડાઓ વિશે વાત કરીએ તો, બેસાલિસ કેલ્મેટ ગુરિન (BCG)નું રસીકરણ કવરેજ 96%, પંચગુણી (DPT+Hep-B+HiB)નું 95%, અને ઓરી/રૂબેલા (MR) નું રસીકરણ કવરેજ 97% રહ્યું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રસીકરણ કવરેજની આ ઉપલબ્ધિમાં રાજ્ય સરકારની અનોખી અને વિશિષ્ટ પહેલો જેવીકે, ‘ધન્વંતરી રથ’, ‘ટીકા એક્સપ્રેસ’ અને ‘મોબાઈલ મમતા દિવસ’ (અંતરિયાળ વિસ્તારોમાં રસીકરણ સેવાઓ)નું મોટું યોગદાન છે.

કેન્દ્ર સરકારના સઘન મિશન ઇન્દ્રધનુષ હેઠળ ગુજરાત સરકારે 0-2 વર્ષના તમામ બાળકો અને સગર્ભા મહિલાઓની સઘન રસીકરણ ઝુંબેશને ખૂબ જ અસરકારકતા સાથે લાગૂ કરી છે. તેનાથી મિશન ઇન્દ્રધનુષ હેઠળ રસીકરણના કવરેજમાં 20% થી વધુનો વધારો નોંધવામાં આવ્યો છે. આ ઝુંબેશ હેઠળ અત્યારસુધીના તમામ તબક્કાઓ હેઠળ રાજ્યના 9,95,395 બાળકો અને  2,25,960 સગર્ભા મહિલાઓનું રસીકરણ થયું છે. આ મિશન તે બાળકો સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે, જેઓ કોઈપણ કારણસર નિયમિત રસીકરણથી વંચિત રહી ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here