વડોદરાઃ મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે કરજણ નજીક સાંપા ગામ પાસે પીક અપ વાને ઓવરટેક કરવા જતા કારને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે મહિલાના ખોળામાં રહેલી અઢી વર્ષીય બાળકી સહિત 4 લોકોનો આબાદ બચાવ થયો હતો. આ બનાવ અંગેની જાણ કરજણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની વિગતો એવી છે કે, ભરૂચના ભોલાવની ગોદાવરી પાર્ક સોસાયટીમાં રહેતા સાડીના વેપારી ત્રિપુલકુમાર શાહ પત્ની ભાવિકાબેન (ઉ.વ. 33 ), અઢી વર્ષની દીકરી તક્સી, 55 વર્ષીય સાસુ નૈનાબેન અને 75 વર્ષીય દાદી સાસુ ઉર્મિલાબેન શાહ સાથે કાર લઈને 27 મેની રાત્રે રાજસ્થાન ધાર્મિક વિધિ માટે ગયા હતા. આ શાહ પરિવાર રાજસ્થાનથી દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇ-વે ઉપરથી ભરૂચ પરત ફરી રહ્યા હતા. ત્યારે વહેલી સવારે કરજણ તાલુકાના સાંપા ગામ પાસે કારને આગળ જતી પિકઅપ વાન સાથે અકસ્માત નડ્યો હતો. જેમાં કારચાલક પતિની બાજુની સીટ ઉપર બેઠેલા પત્ની ભાવિકાબેનનુ સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. જ્યારે નાનીના ખોળામાં સૂઇ ગયેલી દીકરી તક્સીનો આબાદ બચાવ થયો હતો. તે સાથે ત્રિપુલકુમાર, તેમના સાસુ અને દાદી સાસુને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ શાહ પરિવાર રાજસ્થાનના નીતોડા અને કાછોલી ગામથી ધાર્મિક  વિધિ પતાવી કારમાં ભરૂચ પરત ફરી રહ્યા હતા. વહેલી સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કરજણની હદમાં પ્રવેશ્યા હતા. ત્રિપુલભાઈ કાર બીજી લેનમાં ચલાવી રહ્યા હતા ત્યારે સાંપા ગામની સીમ નજીકથી પસાર થતી વેળા એક પીકઅપવાને કારને ઓવરટેક કરતા આગળ અન્ય બીજુ વાહન ચાલતું હોવાથી શાહ પરિવારની કાર પીકઅપ વાન પાછળ ઘૂસી ગઈ હતી. કારની સ્પીડ પણ વધુ હોવાથી અકસ્માત સર્જાતા કાર થોડે દૂર સુધી ઢસડાઇ હતી. આ અકસ્માતમાં કારમાં આગળ બેસેલા પત્ની ભાવિકાબેનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. જ્યારે કાર પાછળ નાનીના ખોળામાં સૂઇ ગયેલી અઢી વર્ષની તકસીનો આબાદ બચાવ થયો હતો. આ બનાવને પગલે કરજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here