ભૂજઃ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ભરતીના મુદ્દે વિવાદ ચાલી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા આસી. રજીસ્ટ્રારની ભરતી પ્રક્રિયામાં નિયમોનો ભંગ અને ગેરરીતિ આચરવામાં આવી હોવાની અનેક રજુઆતો બાદ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. યુનિવર્સિટી દ્વારા કર્મચારીઓ માટે પાંચ વર્ષની છૂટછાટ, પસંદગી પ્રક્રિયાની પદ્ધતિમાં ફેરફાર અને સીધી ભરતી અને બઢતીના રેશીયા અંગેના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો, જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં આસી. રજીસ્ટ્રાર અને સેકશન ઓફિસરની ભરતી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓ અંગે કમિશનર, ઉચ્ચ શિક્ષણની કચેરીને અલગ અલગ રજૂઆતો અને ફરિયાદો મળી હતી. જેના આધારે કમિશનર દ્વારા ડૉ. આર.ડી. મોઢ અને ડૉ. પી.બી. સોલંકીની તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલમાં અનેક ગેરરીતિઓ સામે આવી હતી. જેમાં સ્ક્રિનિંગ ટેસ્ટ બાદ આન્સર કીમાં બે પ્રશ્નોના જવાબમાં સુધારો થતાં સુધારેલા માર્કસનો લાભ ફક્ત રજૂઆત કરનારા ઉમેદવારને જ આપવામાં આવ્યા હતા. જ્યારે આ માકર્સનો લાભ તમામ ઉમેદવારને આપવાથી કટ ઓફ માર્કસમાં ઘણો ફેરફાર થાય તેમ છે અને આ ફેરફારથી ઇન્ટરવ્યુ આપનારા ઉમેદવારની યાદીમાં ફેરફાર થવાની સંભાવના હતી. યુનિવર્સિટીમાં લાંબા સમયથી ફરજ બજાવતા કર્મચારીઓ માટે ભરતીમાં વય મર્યાદામાં છૂટ આપવા અંગે સરકાર દ્વારા કોઈ નિયમો બનાવવામાં આવ્યા ન હોવા છતાં આ પ્રકારે છૂટછાટ આપવામાં આવી હતી.
શિક્ષણ વિભાગ દ્વારા ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા રદ કરતી વખતે ટાંકવામાં આવ્યું છે કે ભરતીની જાહેરાતની સંપૂર્ણ પ્રક્રિયામાં પારદર્શકતાનો અભાવ જોવા મળ્યો હતો. જેમાં OMR સીટ પર બારકોડ કે સીટ નંબર પ્રિન્ટ કરવામાં આવ્યા નહોતા. પરિણામમાં સુધારા યુનિવર્સિટીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા નહોતા. ભરતીની જાહેરાતમાં કોઈ જાહેરાત નંબર કે નોટિફિકેશન નંબર દર્શાવવામાં આવ્યો નહોતો. પ્રશ્નપત્ર અને OMR સીટને સલામત રીતે રાખવામાં ગંભીરતા દાખવવામાં આવી નહોતી. સરકારની મંજૂરી વિના જ પસંદગી પામેલ ઉમેદવારોને તાત્કાલિક નિમણૂક પત્ર આપી દેવામાં આવ્યા હતા.