ભૂજઃ કચ્છના બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવનના વૈવિધ્યને સહાયરૂપ બનવા માટે ચિતલ એટલે કે 20 હરણોને વસાવવામાં આવ્યા છે. ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ અને સંરક્ષણ માટેની પહેલ ‘વનતારા’ના સહયોગથી 70 હેક્ટરના સંરક્ષિત વિસ્તારમાં 20 ચિતલ (સ્પોટેડ ડિયર)ને વસાવ્યા છે. આ સહયોગી પહેલનો ઉદ્દેશ્ય એશિયાના સૌથી મોટા ઘાસના મેદાનોમાંના એક એવા બન્નીમાં જૈવ વિવિધતાને મજબૂત કરવાનો છે.

જામનગરમાં આવેલી વનતારાની અલાયદી સંરક્ષિત ફેસિલિટીમાંથી સ્થળાંતરિત કરાયેલા હરણોને ખાસ ડિઝાઇન કરેલી એમ્બ્યુલન્સમાં કચ્છ લાવવામાં આવ્યા હતા. સંરક્ષિત વિસ્તારમાં આ હરણોને છોડવાની પ્રક્રિયા વન વિભાગના સીધા નિરીક્ષણ અને નિર્દેશન હેઠળ કરવામાં આવી હતી, જેમાં વનતારા દ્વારા સ્થાપિત સંરક્ષણ નિયમો અનુસાર પ્રક્રિયાને સરળ બનાવવા માટે તકનીકી અને સંસાધનોની સહાય પૂરી પાડવામાં આવી હતી.

તેની તૈયારીના ભાગરૂપે ગુજરાત વન વિભાગ અને વનતારાની ટીમો દ્વારા તાજેતરમાં એક સંયુક્ત ક્ષેત્રીય મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકનનો હેતુ હરણોના નિવાસસ્થાનની યોગ્યતાનું મૂલ્યાંકન કરવાનો અને ભવિષ્યમાં આ પ્રજાતિના પુન:સ્થાપનના પ્રયાસો માટે મુખ્ય પર્યાવરણીય પગલાં ઓળખવાનો હતો. આ સહયોગી સમીક્ષામાં વન અધિકારીઓ, વનતારાના વન્યજીવ જીવવિજ્ઞાનીઓ અને પશુચિકિત્સકો સામેલ હતા અને તેનો ઉદ્દેશ્ય રાજ્યના વ્યાપક સંરક્ષણ આયોજનોને મદદ પૂરી પાડવાનો હતો.

​​​​​​​ગુજરાતના કચ્છ જિલ્લામાં 2618 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા બન્નીના ઘાસના મેદાનો એશિયાના સૌથી મોટા અને પર્યાવરણીય રીતે સૌથી મહત્વપૂર્ણ ઘાસના મેદાનોમાંનું એક છે. સર્વેક્ષણોમાં આ પ્રદેશમાં સસ્તન પ્રાણીઓની 12 પ્રજાતિઓ નોંધવામાં આવી છે, જેમાં છ માંસાહારી અને બે શાકાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે. મુખ્ય પ્રજાતિઓમાં ચિંકારા (ઇન્ડિયન ગઝેલ), ભારતીય વરુ, ગોલ્ડન શિયાળ, નીલગાય, પટ્ટાવાળા ઝરખ અને શિયાળનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here