ભૂજઃ કચ્છના પ્રવેશ દ્વાર એવા સામખિયાળી-માળિયા હાઈવે પર સતત ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. દેશના બે મહાબંદરો કંડલા અને મુન્દ્રા આવેલા હોવાથી કન્ટેનરોની અવર-જવર પણ વધી રહી છે. ત્યારે આ ફોરલાઈન હાઈવેને સિક્સલાઈન બનાવવાની તાતી જરૂર છે. આ અંગે ગાંધીધામ ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ એનએચએઆઇના ચેરમેનને સામખીયાળી-માળીયાના અતિ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ધોરી માર્ગને 6-માર્ગીય બનાવવા માટેની પ્રક્રિયા ઝડપી બનાવી તાત્કાલિક ધોરણે નિર્માણ કાર્ય પ્રારંભ કરી નિયત સમયે પૂર્ણ કરવા પત્ર લખી માંગ કરી છે.
સામખિયાળી-માળીયા રાજમાર્ગના વ્યુહાત્મક મહત્વને દર્શાવતા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, દેશના બે મહાબંદરો કે જયાંથી દેશની 40% થી ઉપર આયાત-નિકાસ થઇ રહી છે તથા ક્ચ્છના વિવિધ ઉદ્યોગો જેવા કે ટીમ્બર, મીઠું, ખનીજ, સ્ટીલ, સીમેન્ટ, ડેમીક્લ, કૃષિ ઉત્પાદનો ઉપરાંત મોરબીના સીરામીક ઉત્પાદન અને અનેક ચીજ વસ્તુઓની ન્ટેનરાઇઝડ નિકાસથી આ રાષ્ટ્રીય ધોરી માર્ગ દેશનો મહત્વપૂર્ણ લોજીસ્ટીક રૂટ તરીકે ઉભરી આવ્યો છે.
કંડલાના દિનદયાલ પોર્ટ ખાતે આકાર લઇ રહેલા મેગા ટ્રેનર ટર્મિનલ અને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ તથા આગામી એસ.ઇ.ઝેડ. નું વિસ્તરણ, બંદર આધારિત ક્લસ્ટર્સ અને મોટા પાયે લોજીસ્ટીક પાર્કના વિકાસ સાથે આ ધોરી માર્ગ પર પ્રતિદિન ટ્રાફિક્માં વૃધ્ધિ થઇ રહી છે અને આવનારા સમયમાં ટ્રાફિક્માં અનેક્મણી વૃધ્ધિ થવાનો અંદાજ છે. જેથી આ રાષ્ટ્રીય ધોરી માર્ગને છ-માર્ગીય બનાવવા માટેનો વિગતવાર પ્રોજેક્ટ રીપોર્ટ (ડીપીઆર) કે જે હાલમાં તૈયાર રહ્યો છે તે ઝડપી ગતિથી પૂર્ણ કરી આ મહત્વપૂર્ણ માર્ગને 6-માર્ગીય બનાવવા તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવા ભારપૂર્વક રજુઆત કરવામાં આવી છે.
ગાંધીધામ ચેમ્બરની કારોબારી સમિતિના સભ્ય અને ટ્રાન્સપોર્ટ તથા લોજીસ્ટીક ક્ષેત્રના અગ્રણી હરીશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ક્ચ્છને ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ ભારતના તમામ રાજયો સાથે જોડતો આ એકમાત્ર રાષ્ટ્રીય ધોરી માર્ગ હોવાના કારણે હાલ દરરોજ 20 થી 25 હજાર જેટલા કોમર્શિયલ અને પેસેન્જર વાહનો પસાર થાય છે. જેથી ટ્રાફિકના અતિ ભારણના કારણે દર અઠવાડિયે 2 થી 4 જીવલેણ અસ્માતો થાય છે, જેમાં મહામૂલી જિંદગીઓનો ભોગ લેવાય છે અને ક્લાકો સુધી ટ્રાફિક જામના બનાવો બને છે, જેથી માત્ર લોજીસ્ટીક વિક્ષેપ જ નહિં પરંતુ માનવ જીંદગીઓનું જોખમ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેથી આ માર્ગને છ-માર્ગીય બનાવવો ખૂબજ જરૂરી છે. દિવસે દિવસે વધી રહેલા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખી આ માર્ગ 6 માર્ગીય બને તે હિતાવહ છે અને ગાંધીધામ ચેમ્બરે પણ લોકહિતમાં આ રજૂઆત કરી હતી.