ગાંધીધામઃ કંડલા દીનદયાળ પોર્ટ પરથી મેથેનોલ કેમિકલ ખાલી કરીને જતા હોંગકોંગના જહાજમાં બ્લાસ્ટ થયો હતો. જોકે આ બનાવની જાણ થતાં જ કોસ્ટ ગાર્ડ અને પોર્ટના અધિકારીઓએ બોટમાં ત્વરિત પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. અને જહાજમાં સવાર 21 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયા હતા. ફુલદા નામનું આ જહાજ 5 જુલાઈએ કંડલાની ઓઈલ જેટી નંબર 2 પર આવ્યું હતું. 6 જુલાઈએ બપોરે એક વાગ્યે કેમિકલ ખાલી કરીને જહાજ રવાના થયું હતું. આઉટર તુણા બોયા તરફ જતા સમયે જહાજના ખાલી ટેન્કમાં અચાનક વિસ્ફોટ થયો હતો.
કંડલા પોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ કંડલાના દિનદયાળ બંદરની જેટી નજીક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. કેમિકલ ખાલી કરવા જઇ રહેલા જહાજમાં બ્લાસ્ટ થયો છે. જહાજમાં ઓઇલની ટેન્ક ફાટતાં જહાજ એક તરફ નમી ગયું હતું, ખૂબ પ્રયત્ન કરવા છતાં આ જહાજ સીધું થઇ શક્યું ન હતું. દુર્ઘટનાની જાણ થતાં કોસ્ટ ગાર્ડ અને પોર્ટ તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. જહાજમાં સવાર 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત છે. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. વિસ્ફોટના કારણે જહાજનો પાછળનો ભાગ નુકસાન પામ્યો છે. જહાજ દરિયામાં એક તરફ નમી ગયું છે. મેરિટાઈમ રિસ્પોન્સ કોર્ડિનેશન સેન્ટર અને કોસ્ટગાર્ડની ટીમ બચાવ કાર્યમાં જોડાઈ છે.
કંડલા દીનદયાળ પોર્ટના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે, ડીપીએના ચેરમેન સતત મોનિટરિંગ કરી રહ્યા છે. જહાજના ઈંધણને ખાલી કરવા માટે એક બાર્જ મોકલવામાં આવ્યું છે. જહાજના સ્થાનિક એજન્ટ અમલભાઈએ પુષ્ટિ કરી છે કે કોસ્ટગાર્ડ અને પોર્ટ તંત્રની મદદથી ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે.