અમદાવાદઃ રાજ્યમાં શાળા-કોલેજોમાં પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે ઉનાળા વેકેશનનો પ્રારંભ થશે. ત્યારે ફરવાના શોખિન પરિવારો ઉનાળાની ગરમીથી છૂટકારો મેળવવા માટે હીલ સ્ટેશન જવાની તૈયારીઓ કરી રહ્યા છે. હાલ અમદાવાદ સહિત મહાનગરોમાં ટુર ઓપરેટરોને ત્યાં સૌથી વધુ કાશ્મીર, કૂલુમનાલી. શિમલા સહિત પર્યટન સ્થળોની ઈન્કવાયરીઓ આવી રહી છે. અને બુકિંગ થઈ રહ્યા છે. દરમિયાન ઉનાળાના વેકેશનના પ્રારંભ પહેલા જ ટ્રેનોમાં લાંબુ વેઈટિંગલિસ્ટ જોવા મળી રહ્યું છે. ફ્લાઈટના ભાડામાં પણ વધારો કરી દેવાયો છે.

અમદાવાદના એક ટુર ઓપરેટરના કહેવા મુજબ જ્યારે વેકેશન પડે ત્યારે ગુજરાતીઓ ફરવા જવા માટે થનગનતા હોય છે. આખા દેશમાં કોઇ પણ ટુરિઝમ ક્ષેત્ર હોય ત્યાં સૌથી વધારે ગુજરાતીઓ જ ફરતા હોય છે. એપ્રિલના સેકન્ડ વીકથી લઇને એપ્રિલના ફર્સ્ટ વીક સુધી ઉનાળુ વેકેશન ચાલતું હોય છે. આ દરમિયાન ટ્રાવેલ્સ સંચાલકો બસો ઉપાડતા હોય છે તેમજ ટ્રેન અને ફ્લાઇટમાં પણ લોકો ફરવા જતા હોય છે. આ ઉપરાંત કુલ્લુ મનાલી, શિમલા અને કાશ્મીરનો ક્રેઝ પણ ખૂબ જોવા મળી રહ્યો છે. આ બંને સ્થળના ખૂબ બુકિંગ આવે છે. કારણ કે, રોહતાંગ પાસ 15 એપ્રિલ પછી ખુલતું હોય છે. જેને જોવાનો ગુજરાતીઓમાં ખૂબ જ ક્રેઝ છે.

અન્ય એક ટૂર ઓપરેટરે જણાવ્યુ હતું કે,  અત્યારે સિક્કીમ અને નૈનિતાલનું પણ મોટાપાયે બુકિંગ આવે છે. ચારધામ યાત્રા અને અમરનાથ પણ મોટી સંખ્યામાં લોકો જઇ રહ્યા છે. આ ઉપરાંત વૃંદાવન ગોકુળ અને મથુરાની ઇન્કવાઇરી પણ ખૂબ આવે છે. આવી કાળઝાળ ગરમીમાં ગુજરાતીઓ હીલ સ્ટેશન જવાનું વધુ પસંદ કરતા હોય છે. ટૂંકા રોકાણની વાત કરીએ તો અત્યારે સાપુતારા હાઉસફૂલ છે. સળંગ અઢી મહિના સુધી લોકો ફરતા જ રહે છે.  ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફૂલ છે અને ફ્લાઇટમાં પણ ભાડા બેથી અઢી ગણા થઈ ગયા છે. લોકોમાં બહાર ફરવા ક્રેઝ વધતા ટ્રાવેલ્સની બસોના ભાડામાં પણ વધારો થયો છે. આ વર્ષે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે જે પણ હાઉસફૂલ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here