ભારતની અવકાશ ઉદ્યોગની ક્ષમતાઓને આગળ લઈ જવાના વધુ એક મહત્વના પગલાંમાં ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરે (ઇન-સ્પેસ) અપસ્ટ્રીમ, મીડસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ સેગમેન્ટ્સમાં છ ભારતીય ઉદ્યોગોને ઇસરો દ્વારા વિકસાવાયેલી 10 અત્યાધુનિક ટેક્નોલોજીઓ ટ્રાન્સફર કરી હતી. અમદાવાદમાં ઇન-સ્પેસના મુખ્યમથકે ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ), ટેક્નોલોજી મેળવનાર ઉદ્યોગો તથા ઇન-સ્પેસ વચ્ચે ત્રિપક્ષીય ટેક્નોલોજી ટ્રાન્સફર અગ્રીમેન્ટ્સ (ટીટીએ) થયા હતા.ટેક્નોલોજી ટ્રાન્સફરનો ઉદ્દેશ ખાનગી કંપનીઓને ઇસરોએ વિકસાવેલી ટેક્નોલોજીઓની એક્સેસની તક આપવાનો છે જેથી તેઓ સ્પેસ તથા અન્ય સેક્ટર્સમાં વ્યવસાયિક ઉપયોગ માટે અવકાશ સંબંધિત ટેક્નોલોજીનો ઉપયોગ કરવા સક્ષમ બની શકે. આ ઉપરાંત તે ઉદ્યોગની ગહન સહભાગિતા, સ્વદેશીકરણને પ્રોત્સાહન અને સેટેલાઇટ લોન્ચ, ગ્રાઉન્ડ સ્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જીઓસ્પેટિલ એપ્લિકેશન્સના મહત્વના ક્ષેત્રોમાં વિદેશી ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડવાનો પણ હેતુ ધરાવે છે.ભારતીય ઉદ્યોગોની સક્રિય ભૂમિકાની સરાહના કરતા ઇન-સ્પેસના ચેરમેન ડો. પવન ગોએન્કાએ જણાવ્યું હતું કે આ ટેક્નોલોજીની ટ્રાન્સફર સ્પેસ ટેક્નોલોજીઓ મેળવવા અને તેનું વ્યવસાયીકરણ કરવા માટે ખાનગી ક્ષેત્રને સશક્ત બનાવવા તરફનું વધુ એક મહત્વનું પગલું છે. ISRO પાસે અવકાશ તકનીકોમાં સંશોધન અને વિકાસનો સમૃદ્ધ ભંડાર છે અને આ સમય છે કે આપણે તેનો મહત્તમ ઉપયોગ કરીને ભારતના અવકાશ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવીએ, અને તેમાં, ઉદ્યોગ-આગેવાની હેઠળની નવીનતા મુખ્ય ભૂમિકા ભજવશે.કરાર પર હસ્તાક્ષર કરતી વખતે ઇન-સ્પેસના ટેક્નિકલ ડિરેક્ટોરેટના ડિરેક્ટર શ્રી રાજીવ જ્યોતિએ જણાવ્યું હતું કે આ ટેક્નોલોજીઓ ખૂબ મહત્વની છે અને હાલ વિદેશી સપ્લાયરો પાસેથી મેળવાયેલી છે. આ ટ્રાન્સફર સાથે અમે ભારતમાં જ સ્વદેશી ક્ષમતાઓ ઊભી કરવા તરફ એક મહત્વનું પગલું ભરી રહ્યા છીએ. ઇસરો, ઇન-સ્પેસ અને એનએસઆઈએલ સહયોગ સાધીને ટેક્નોલોજીને ઝડપથી અપનાવવાનું સુનિશ્ચિત કરવા માટે ઉદ્યોગની તમામ કંપનીઓને વ્યાપક પ્રત્યક્ષ ટેકો પૂરો પાડશે.જેમને ટેક્નોલોજી ટ્રાન્સફર થઈ છે તેમાં સેટેલાઇટ લોન્ચ વ્હીકલ્સમાં સંભવિતપણે ઉપયોગ માટે ઇસરોની ઇનર્ટિઅલ સિસ્ટમ્સ યુનિટ દ્વારા વિકસાવાયેલા બે એડવાન્સ્ડ ઇનઅર્ટિઅલ સેન્સર્સ – લેઝર ગાયરોસ્કોપ અને સિરામિક સર્વો એક્સીલરોમીટર – નો સમાવેશ થાય છે. આ ટેક્નોલોજીઓ ઇનઅર્ટિઅલ નેવિગેશન સિસ્ટમ (આઈએનએસ) ટેસ્ટિંગ, કેલિબ્રેશન અને QA/QT ઇક્વિપમેન્ટમાં 25 કરતા વધુ વર્ષોનો અનુભવ ધરાવતી કંપની હૈદરાબાદની મેસર્સ ઝેટાટેક ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. આ સાથે ઝેટાટેક આવી અનન્ય ટેક્નોલોજી મેળવનારી ભારતની પહેલી કંપની બની ગઈ છે જેની હાલ વિવિધ સેક્ટર્સ દ્વારા આયાત કરવામાં આવે છે.મીડસ્ટ્રીમ સેગમેન્ટમાં ગ્રાઉન્ડ સ્ટેશન કામગીરીઓ જેવી કે S/X/Ka ટ્રાઇ-બેન્ડ ડ્યુઅલ સર્ક્યુલર પોલરાઇઝ્ડ મોનોપલ્સ ફીડ, ટ્રાઇ-એક્સિસ એન્ટેના કંટ્રોલ સર્વો સિસ્ટમ અને Ku/C/L તથા S બેન્ડ કેસગ્રેઇન ફીડને લગતી ત્રણ ટેક્નોલોજીઓ જે ઇસરો દ્વારા વિકસાવાયેલી છે તેને મેસર્સ અવાન્ટેલ અને મેસર્સ જિષ્ણુ કમ્યૂનિકેશન્સને ટ્રાન્સફર કરાઇ છે. આ બંને હૈદરાબાદ સ્થિત કંપનીઓ સ્પેસ અને ડિફેન્સ પ્લેટફોર્મ્સ માટે એન્ડ-ટુ-એન્ડ કમ્યૂનિકેશન્સ સોલ્યુશન્સમાં નિપુણતા ધરાવે છે. હાલ વિદેશી કંપનીઓ પાસેથી મેળવવામાં આવતી આ ટેક્નોલોજીઓ મહત્વના ગ્રાઉન્ડ સ્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેમને આત્મનિર્ભર બનાવશે.ડાઉનસ્ટ્રીમની બાબતે પેસ્ટ ફોરવોર્નિંગ અને સેમી-ફિઝિકલ ક્રોપ યિલ્ડ એસ્ટીમેશન માટે દ્વારા એસએસી/ઇસરો દ્વારા વિકસાવાયેલા બે જીયોસ્પેટિયલ મોડલ્સ અમદાવાદની એમનેક્સ ઇન્ફો ટેક્નોલોજીસને ટ્રાન્સફર કરવામાં આવી હતી જેનો ખેતીની બાબતે નિર્ણયો લેવા અને પાકના સંરક્ષણ માટે ઉપયોગ થશે.એનઆરએસસી/ઇસરો દ્વારા વિકસાવાયેલી કોમ્પેક્ટ, મલ્ટી-પેરામીટર, પોર્ટેબલ બાથીમેટ્રી સિસ્ટમ અમદાવાદની મેસર્સ જલકૃતિ વોટર સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડને ટ્રાન્સફર કરવામાં આવી છે જે જળ સંસાધન નિરીક્ષણ માટે યુએવી આધારિત ઇન્ટિગ્રેશનને સક્ષમ કરશે.આ ઉપરાંત મૂળ લોન્ચ વ્હીકલ એપ્લિકેશન્સ માટે વિકસાવાયેલી વીએસએસસી/ઇસરોની સિરામિક આધારિત ફ્લેમ-પ્રૂફ કોટિંગ ટેક્નોલોજી અમદાવાદની મેસર્સ રામદેવ કેમિકલ્સે હસ્તગત કરી છે જેને વિવિધ ઔદ્યોગિક ઉપયોગોમાં લેવાશે.