અમદાવાદઃ મધ્યમ અને ગરીબ પરિવારોના બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી શકે તે માટે રાઈટ ટૂ એજ્યુકેશનનો કાયદો અમલમાં છે. જેમાં પ્રથમ તબક્કાની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ લગભગ 13000 બેઠકો ખાલી રહેતા આજે તા.15મીથી પ્રવેશની બીજા તબક્કાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં જે બાળકોને પ્રવેશ મળ્યો નથી તેઓના વાલીઓને જ બીજા રાઉન્ડમાં શાળાની પુનઃ પસંદગીની તક મળશે.

શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ રાજ્યની ખાનગી શાળામાં 25 ટકા બેઠકો પર નિઃશુલ્ક પ્રવેશ માટેની સરકારની 2025-26 માટેની ઓનલાઈન પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ બાદ હાલ 13400થી વધુ બેઠકો ખાલી પડી છે. જેમાં અગાઉ એલોટેન્ટ સમયની અને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ ન થયા હોય તે સાથેની બેઠકો છે. આ ખાલી બેઠકો માટે હવે આજે તા.15મી મેથી બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં શનિવાર તા.17 મે સુધી શાળાની પુનઃ પસંદગી થઈ શકશે. RTEના પોર્ટલ પર જઈને શાળાઓની પુનઃ પસંદગીના મેનુ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઈન કરી શાળાની પુનઃ પસંદગી કરવાની રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  શાળાઓની પુનઃપસંદગી વખતે પોતાની પસંદગીના ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે. ત્યારબાદ સબમિટ બનટ પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. RTEના પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી તેવા જ વિદ્યાર્થીઓને RTE હેઠળની ખાલી જગ્યા ધરાવતી ખાનગી શાળાની પુન: પસંદગી કરવાની તક મળશે. જે વિદ્યાર્થીઓના વાલી શાળાઓની પુનઃપસંદગી કરવા ન માંગતા હોય તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલી શાળાને માન્ય રાખી નિયમાનુસાર બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવણીની પ્રક્રિયા થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here