એસ. પી. રીંગ રોડ પરના આંબલી સર્કલ પાસે 16મી ફેબ્રુઆરી રવિવારે દશકોશી કડવા પાટીદાર સમાજનો 26મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં 96 ગામના 55 દિકરા-દીકરીઓ લગ્નગ્રંથિના જોડાયા હતા. આ લગ્નોત્સવને પગલે સમાજના લોકો દ્વારા કુલ 1.4 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. સમૂહલગ્નમાં દાતા તરફથી દીકરીઓને 20થી 25 ગ્રામ સોનાના સેટ, સોનાની ચુની, ચાંદીનો ઝૂડો, પાયલ, સિક્કા સાથે દાગીના અને ઘરવખરીની વિવિધ ચીજવસ્તુઓ કન્યાદાનમાં અપાઈ હતી. કુલ મળીને દિકરીને રૂ. 3.50 લાખની ભેટ સમાજના દાતાઓ દ્વારા અપાઈ હતી. આ પ્રસંગે સમાજના 10 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે નવદંપતિઓ સહકુટુંબમાં રહે તે માટે અગ્રણીઓ દ્વારા શપથ લેવડાવીને સમાજલક્ષી કાર્યોમાં તેમજ સ્વચ્છતાની પણ શપથ લેવડાવી દેશના વિકાસ કાર્યોમાં જોડાવા આહ્વવાન કરાયું હતું.આ અંગે દશકોશી કડવા પાટીદાર સમાજના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું કે, સમાજના 26મા સમૂહ લગ્નોત્સવમાં 96 ગામના 55 દિકરા-દીકરીઓ લગ્નગ્રંથિમાં જોડાયા છે. આ વર્ષે સમૂહ લગ્નોત્સવમાં દાતાઓ તરફથી સોના- ચાંદીના દાગીનાની ભેટો દીકરીઓને અપાઈ છે. ઘુમાના પૂર્વ સરપંચ રામચંદ્ર પટેલ દ્વારા 55 દીકરીઓને 20થી 25 ગ્રામના સોનાના સેટ, ઓગણજના હીરાબેન મીઠાભાઈ પટેલ દ્વારા દીકરીઓને 100 ગ્રામની લગડી કન્યાદાનમાં આપી હતી. સમાજ દ્વારા દરેક કન્યાને રસોડા સેટની સાથે અન્ય દાતાઓ તરફથી પાનેતર, વોશીંગ મશીન, ઘરઘંટી, તિજોરી, ઓવન, ચાંદીનો ઝૂડો, 50 ગ્રામ ચાંદીની ગાય, 10 ગ્રામ ચાંદીની લગડી, ચાંદીની ગણપતિની મૂર્તિ, ચાંદીની ગાય, ચાંદીનો તુલસી ક્યારો, પાયલ, સિક્કો સહિત ઘરવખરીની વિવિધ વસ્તુઓ ભેટ અપાઈ છે.આ પ્રસંગે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને જુદા જુદા હોદ્દેદારોએ હાજરી આપી નવદંપતિઓને આર્શિવાદ આપ્યા હતા. આ સાથે ઊંઝાના ઉમિયા સંસ્થાન દ્વારા માતાજીની ચુંદડી અને માતાજીનો ફોટો દરેક નવદંપતિને આપીને આર્શિવાદ આપ્યા હતા, તેમજ સોલા ભાગવત વિદ્યાપીઠના ગો. વા. કૃષ્ણશંકર શાસ્ત્રીના પ્રપૌત્ર અનંતકૃષ્ણ શાસ્ત્રી દ્વારા દંપતિઓને આર્શિવચન આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here