અમરેલીઃ  અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આકરા ટેરિફ સામે લોકોમાં વિરોધ ઉઠતો જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પએ  25 ટકા ટેરિફ લાગુ કરાયા બાદ વધુ 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. ત્યારે અમેરિકાની દાદાગીરી સામે ન ઝૂકવા લોકોમાંથી સૂર ઊઠ્યો છે. અમરેલીમાં ભાજપના નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં શહેરીજનોએ ટ્ર્મ્પના આકરા ટેરિફનો વિરોધ કરવા અમેરિકન વસ્તુઓની હોળી કરી હતી. દિલીપ સંઘાણીએ અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર કરવા લોકોને આહવાન કર્યું છે.

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે વાટાઘાટો ટાલતી હતી, ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત પર 25 ટકા ટેરિફ ઝીંકીને વધુ 25 ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી છે. અમેરિકાએ ભારત પર આકરો ટેરિફ નાખતા ભારતના અનેક ઉદ્યોગોને ફટકો પડવાની ભીતિ છે. ત્યારે હવે અમેરિકા સામે સૌરાષ્ટ્રથી વિરોધનો સૂર ઉઠ્યો છે. અમરેલીમાં સહકારી આગેવાન અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી, ભરત કાનાબાર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શહેરીજનોએ અમરેલીના રાજકમલ ચોકમાં એકત્ર થઈ અમેરિકન વસ્તુઓની હોળી કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ઇફકોના ચેરમેન અને ભાજપ નેતા દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, ભારતીય જન પરિષદ ભારતની જનતાનો અવાજ છે, જનતા વતી ભારતમાં અવાજ ઉઠાવવાની ફરજ પડે ત્યારે અમે અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો. અમેરિકન પ્રોડક્ટનો બહિષ્કાર કરવો અને અમેરિકન પ્રોડક્ટને જે રીતે આઝાદી વખતે વિદેશી આઈટમોની હોળી થતી તેવી રીતે હોળી કરવી, જનજાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવા તેવો નિર્ણય કર્યો હતો.

સંઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત જ્યારે આજે ડિફેન્સમાં સક્ષમ બન્યું છે ઓપરેશન સિંદૂરમાં ભારતના બનાવેલા સંસાધનો દ્વારા અમરિકા અને ચાઈના જે જડબાતોડ જવાબ આપનારા વિમાનોને તોડી પડાયા હતા અને વિજય પ્રાપ્ત કર્યો હતો. તેવી સ્થિતિમાં અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. ભારત દેશ આજે તમામ ક્ષેત્રમાં સક્ષમ થઈ રહ્યો છે. આર્થિક ક્ષેત્રે વિશ્વમાં ત્રીજા નંબરે છે. ત્યારે અમેરિકાએ  ટેરિફ વધારીને ભારતને દબાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ભારતના નાગરિકો જાગૃત થાય અને અમેરિકાની કોઈપણ પ્રોડક્ટનો વપરાશ ન કરે અને એનો બહિષ્કાર કરે તેની જનજાગૃતિ માટે આ કાર્યક્રમ કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here