અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મ્યુનિની સેન્ટ્રલ ઓફિસના સસ્પેન્ડેડ હેડ ક્લાર્ક પુલકિત સથવારાએ મે 2023થી ઓક્ટોબર 2024 દરમિયાન એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર, સહાયક સર્વેયર તેમજ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, ફિમેલ હેલ્થ વર્કર ફાર્માસિસટની ભરતી પ્રક્રિયામાં 8 ઉમેદવારોના માર્ક્સ વધારી આપ્યા હતા. જેના કારણે તેઓ મેરીટ લિસ્ટમાં આવ્યા અને નોકરી પણ મેળવી લીધી હતી. જોકે, આ કૌભાંડની જાણ થતાં મ્યુ. કમિશનર દ્વારા આ તમામ 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ બનાવની વિગતો એવી છે કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસના સસ્પેન્ડેડ હેડ ક્લાર્ક પુલકિત સથવારા દ્વારા થોડા મહિના અગાઉ ઇજનેર વિભાગની ભરતીમાં ઉમેદવારોના માર્ક્સમાં વધારો કરી ગેરરીતિ કરી હતી. વધારાના માર્કસ મેળવીને ઉમેદવારોએ નોકરી મેળવી લીધી હતી. આ કૌભાંડ બહાર આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ 2021થી 2025 સુધીમાં લેવાયેલી તમામ ભરતી પ્રક્રિયાઓ અંગે તપાસ કરવા એક કમિટીની રચના કરી હતી. બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ત્રણ ઉચ્ચ અધિકારીઓની કમિટીએ છેલ્લા પાંચ વર્ષની ભરતીની તપાસ કરી હતી.
સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા વિભાગની આશરે 37થી વધુ જગ્યાઓની લેખિત પરીક્ષા GU, IIT, IIM જેવી નામાંકિત સંસ્થા દ્વારા લેવામાં આવી હતી. પરીક્ષા યોજીને આશરે 2786 ઉમેદવારોની પસંદગી યાદી તથા 1316 ઉમેદવારોને પ્રતિક્ષા યાદી બનાવવામાં આવી હતી. પસંદગી યાદીના ઉમેદવારોને નિયમોનુસાર ફિક્સ પગારથી અજમાયાશી ધોરણે જુદા જુદા ખાતે નિમણૂક આપવામાં આવી હતી. જે પસંદગી યાદી/પ્રતિક્ષા યાદીના ઉમેદવારોના રિઝલ્ટની તેમજ તેની આનુષાંગીક માહિતીની પુન: ચકાસણી હાથ ધરવામા આવી હતી. એસ્ટેટ વિભાગ, હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને આરોગ્ય વિભાગમાં નિમણૂક પામેલા ઉમેદવારોના માર્ક્સની એજન્સી દ્વારા આપેલા રિઝલ્ટ સાથે ખરાઈ કરતા કુલ 8 ઉમેદવારોની ખોટી રીતે ભરતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. AMC સેન્ટ્રલ ઓફિસના સસ્પેન્ડેડ હેડ ક્લાર્ક પુલકિત સથવારા સાથે મેળાપણામાં રહી 8 ઉમેદવારોએ પરીક્ષા પદ્ધતિમાં ગેરરીતિ આચરી હોવાનું જણાઈ આવતા તેઓને જે તે હોદ્દા ઉપર અજમાયશી તરીકે સહાયકમાં આપેલી નિમણૂક પરથી મ્યુનિસિપલ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.