અમદાવાદઃ શહેરમાં હાથીજણ વિસ્તારમાં એક પેટ ડોગના હુમલામાં બાળકીના મોત બાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પેટ ડોગના માલિકોને રજિસ્ટ્રેશનની કડક સુચના આપી છે. એએમસીએ પેટ ડોગની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી હતી. જે અંતર્ગત 1 જાન્યુઆરીથી 31 મે, 2025 સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવાની હતી. દરમિયાન આજે 1 જૂનથી 30 જુન સુધી એમ એક મહિના માટે પેટ ડોગની રજિસ્ટ્રેશન પ્રક્રિયા લંબાવવામાં આવી છે. હવે ડોગ રજિસ્ટ્રેશનની ફી 200થી વધારી રૂપિયા 500 કરવામાં આવી છે. જે પેટ ડોગ માલિકોએ હજી સુધી રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમણે એક મહિનામાં રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.

અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં પાલતુ શ્વાન (પેટ ડોગ)એ 4 માસની બાળકી પર હુમલો કર્યો હતો, જેમાં બાળકીનું મૃત્યુ થયું હતું. પેટ ડોગના હુમલાથી બાળકીના મૃત્યુની ઘટના બાદ પેટ ડોગ રાખનારા લોકો માટે ચોક્કસ પોલિસી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહી છે, જેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તંત્ર દ્વારા આ પોલિસી જૂનથી લાગુ કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. પેટ ડોગ પોલિસી અંતર્ગત જો ડોગનું રજિસ્ટ્રેશન નહીં હોય તો ડોગ માલિકના નળ, ગટર કનેક્શન કાપવાથી લઈ ડોગને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં પાલતુ શ્વાન (પેટ ડોગ) રાખનારા લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડોગનું રજિસ્ટ્રેશન કરાવવા માટે શરૂઆત કરી દીધી છે. 1 જાન્યુઆરીથી 31મે સુધીમાં 13677 પેટ ડોગ માલિકો દ્વારા 15504 જેટલા ડોગનું રજિસ્ટ્રેશન થયું છે. હજી પણ શહેરમાં અંદાજિત 35,000થી વધુ પેટ ડોગના રજિસ્ટ્રેશન થયા નથી.

એએમસીના સૂત્રોના કહેવા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. શહેરમાં પેટ ડોગ રાખનારા માલિકોએ પેટ ડોગ પોલિસી મુજબ જે પેટ ડોગના માલિકો દ્વારા રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સૌપ્રથમ તેમને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે, જો તેઓ દ્વારા રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો ત્યારબાદ પોલીસી અંતર્ગત જે પણ નિયમો લાગુ કરવામાં આવે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here