અમદાવાદઃ શહેરમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ન્યાયની રાહ જોતાં 65 પીડિત પરિવારે યુએસ ફેડરલ કોર્ટમાં બોઈંગ કંપની સામે અરજી કરી છે. અને ભારત અને યુકેના પીડિતોના પરિવારોએ ન્યાય માટે અમેરિકા સ્થિત લૉ ફર્મ બસ્લી એલનની નિમણૂક કરી છે. જેના વકીલ માઈક એન્ડ્રુઝે આજે અમદાવાદના મેઘાણીનગરમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ ઘટના બાદ પ્રથમ વખત કોઈ કાયદાકીય નિષ્ણાત સ્થળ પર પહોંચીને નિરીક્ષણ કર્યુ હતું..
અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટના કેસમાં અમેરિકન વકીલ અને એવિએશન તેમજ લીગલ એક્સપર્ટ માઈક એન્ડ્રુઝે ક્રેશ સાઈટની મુલાકાત લીધી છે. કાયદાકીય પ્રક્રિયા શરૂ થયા બાદ વકીલ પ્રથમ વખત ઘટના સ્થળની મુલાકાતે છે. તેમની સાથે એવિએશન અને લીગલ ટીમ પણ ક્રેશ સાઈટ પર પહોંચી હતી. પીડિત પરિવારોએ બોઈંગ કંપની સામે યુએસની ફેડરલ કોર્ટમાં અરજી પણ કરી છે, જેને લઈને આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. માઈક એન્ડ્રુઝે પ્લેન ક્રેશ સાઈટનું વિવિધ દ્રષ્ટિકોણથી નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેઓ પ્લેશ ક્રેશમાં એકમાત્ર જીવિત વિશ્વાસને મળીને વિશેષ રિપોર્ટ તૈયાર કરશે.
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે બોઈંગ કંપની ઉપર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, જેના કારણે આ કેસ અમેરિકાની ફેડરલ કોર્ટમાં લઈ જવામાં આવ્યો છે. આ ઘટનામાં 80થી વધુ પરિવારો કાયદાકીય પ્રક્રિયામાં જોડાયા છે. અને અમેરિકન એવિએશન એક્સપર્ટ માઈક એન્ડ્રુઝ વિમાન દૂર્ઘટનામાં ભોગ બનેલા પરિવારોની વહારે આવ્યા છે. તેમણે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ વડોદરા, દીવ અને સુરતમાં પણ પીડિત પરિવારોની મુલાકાત લીધી છે. બોઈંગ વિમાનમાં થયેલી આ દુર્ઘટના અને અનેક લોકોના મૃત્યુને કારણે મૃત્યુ પામનાર લોકોના સ્વજનોને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે, જે કેસની મજબૂતાઈ નક્કી કરે છે.
પ્રાથમિક તપાસ અહેવાલમાં જણાવાયું હતું કે ઇંધણની સ્વીચ બંધ થવાને કારણે એન્જિન બંધ થઈ ગયા હતા અને પરિણામે વિમાન ઉડતાની સાથે જ ક્રેશ થયું હતું. કાયદાકીય લડાઈ આગળ વધી રહી છે ત્યારે માઈક એન્ડ્રુઝ, જેઓ એવિએશન એક્સપર્ટ અને કાયદાકીય જાણકાર છે, તેઓ કયા કયા મુદ્દાઓને લઈને કોર્ટમાં જવું અને શું શું ખામીઓ છે તે તૈયાર કરીને એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરશે. આ અહેવાલ તૈયાર કરવાની કામગીરી તેમના દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, તેમણે ઘટનામાં જીવિત બચનાર એક વ્યક્તિને પણ મળીને વિશેષ રિપોર્ટ તૈયાર કરવાનું આયોજન કર્યું છે.