અમદાવાદઃ આજે કૃષ્મ જન્મોત્સવ મનાવવા મેઘરાજાએ પણ વાજતે ગાજતા પધરામણી કરી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. જન્માષ્ટમીના પાવન પર્વે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘણાં વિસ્તારોમાં માત્ર બે કલાકના ગાળામાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં રસ્તાઓ બેટમાં ફેરવાયાની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં ભારે વરસાદને લીધે  મીઠાખળી અને અખબારનગર અંડરપાસ બંધ કરી દેવાયા છે.

 હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં શહેરમાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં બે કલાકમાં મેમકો, કૃષ્ણનગર, નરોડા રોડ અને અસારવા વિસ્તારમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે નિકોલ વિસ્તારમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે થઈને નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મીઠાખળી અને અખબારનગર બે અંડરપાસ પાણી ભરાવવાના કારણે બંધ કરવામાં આવ્યા છે. શહેરના વિસ્તારના વટવા, મણિનગર, ઘોડાસર, નરોડા, નિકોલ, વસ્ત્રાલ તેેમજ જુહાપુરા, સરખેજ, એસ.જી હાઈવે, મકરબા, પાલડી, કૃષ્ણનગર, રાયપુર, મણિનગર, વાસણા સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે.

રાજ્યના  હવામાન વિભાગે આગામી 6 દિવસ રાજ્યના જુદા-જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 18થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના કહેવા મુજબ, બંગાળની ખાડીની સિસ્ટમ 30 કલાક સ્થિર થયા બાદ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. ઘણા સમયથી ટ્રેકની વાત કરતાં હતા તે પ્રમાણે, આ સિસ્ટમ મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થશે. આ ટ્રેકમાં ફેરફાર થવાની સંભાવનાઓ ખૂબ ઓછી છે. ત્યારે રાજ્યભરમાં ભારે વરસાદ પડશે હવામાન વિભાગ દ્વારા 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here