ગાંધીનગરઃ અમદાવાદમાં વિમાન ક્રેશની ઘટના સામે આવી છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જઈ રહેલું એરઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. અચાનક પ્લેન ક્રેશ થતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટે ઉડ્યાં હતા. આ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટેકઓફ દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. તેમજ ફ્લાઈટમાં 135થી વધારે મુસાફરો હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં અગાઉ વર્ષ 1988માં પ્લેનક્રેશની ઘટના સર્જાઈ હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર બપોરના સમયે ફ્લાઈટ ટેકઓફ દરમિયાન પાછળનો ભાગ એક ઝાટ સાથે ટકરાયો હતો.  જે બાદ ફ્લાઈટ ક્રેશ થઈને અમદાવાદની સિવિલ હોસ્પિટલના પાછળના ભાગમાં પડી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. તેમજ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર દોડી ગયા હતા. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેટ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. જો કે, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હોવાથી તંત્રને રાહત કામગીરીમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અત્યાર સુધીમાં લગભગ 25 વ્યક્તિઓને બહાર કાઢીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. હોસ્પિટલમાં પણ તંત્ર ખડેપગ રહ્યું હતું. આ બનાવને પગલે એનડીઆરએફની ટીમ પણ રવાના કરાઈ છે અને ડીજીસીએની ટીમ પણ ઘટના સ્થળ જવા રવાના થઈ હતી. અમદાવાદ એરપોર્ટ ઉપર સર્જાઈ દુર્ઘટનાને પગલે અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વાત કરીને તમામ મદદની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ અમદાવાદ ફાયરબ્રિગેડે ફાયરકોલ જાહેર કર્યો હતો.

સિવિલ હોસ્પિટલના પાછળના ભાગમાં તબીબી ક્વાટર્સ પાસે આ દૂર્ઘટના સર્જાઈ હતી. જેથી તબીબી ક્વાટર્સના એક બ્લોકમાં પણ આગ લાગી હતી. જેમાં 10થી 15 વ્યક્તિઓ ફસાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્લેન ક્રેશની ઘટનાને પગલે એમ.કે.દાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળ પર જવા રવાના થયાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here