ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારોને જમીન પર રાહત દરે કાયમી ધોરણે માલિકી હક્ક આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી અમદાવાદના આશરે 1100 માલધારી પરિવારોને પોતાનાં ઘરનો માલિકી હક્ક મળશે.

આ નિર્ણય સંદર્ભે રાજ્ય મંત્રી  જગદીશ વિશ્વકર્માએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં રબારી સમાજના વસવાટ તેમજ તેમના ઢોર માટે રાખવાની વ્યવસ્થા થઈ શકે તેવા શુભ આશયથી રાજ્ય સરકારે વર્ષ 1960-61માં જમીન સંપાદન કરી અમદાવાદ મહાનગરપાલિકાને સુપરત કરી હતી.

આ જમીન પર અમદાવાદ મહાનગરપાલિકાએ પ્લોટ પાડીને ઓઢવ, અમરાઈવાડી, જશોદાનગર જૂની અને જશોદાનગર નવી એમ કુલ ચાર રબારી વસાહતોમાં રહેઠાણ સાથેના મકાનો બાંધીને જે તે સમયે રબારી પરિવારોને પ્લોટની ફાળવણી કરી હતી. જેમાં જશોદાનગર જૂની વસાહતમાં 137 પ્લોટ, જશોદાનગર નવી વસાહતમાં 440 પ્લોટ, ઓઢવ વસાહતમાં 310 પ્લોટ અને અમરાઈવાડીમાં 212  પ્લોટ મળીને ચારેય વસાહતોમાં આશરે કુલ 1099  પ્લોટની ફાળવણી માલધારી સમાજને કરવામાં આવી હતી. આ ચારેય વસાહતનું અંદાજીત કુલ ક્ષેત્રફળ 6,57.363 ચો.મીટર થાય છે.

મંત્રી  વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે, હાલ આ ચારેય રબારી વસાહતોમાં પ્લોટોની ફાળવણીને 50 વર્ષથી વધુ સમય થઇ ગયો છે. આ દરમિયાન અનેકવાર માલધારી સમાજે રાજ્ય સરકાર સમક્ષ જમીન પરનો માલિકી હક્ક આપવા અંગે રજૂઆત કરી હતી. દરેક સમાજની માંગણીઓને હકારાત્મક પ્રતિભાવ આપવાના અનુક્રમને જાળવી રાખતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આજે માલધારી સમાજની વર્ષો જૂની માંગણીને પણ હકારાત્મક વાચા આપતો નિર્ણય કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here