અમદાવાદઃ શહેરમાં સોમવારની સાંજથી વરસાદી માહોલ સર્જાયો છે. ગત મોડી રાતથી સવાર સુધી શહેરમાં વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. દરમિયાન આજે બપોરે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો, શહેરના મોટાભાગના અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં તમામ અન્ડરબ્રિજ  બંધ કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં ગત મધરાત બાદ પડેલા ધોધમાર વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે પડેલા વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. ખાસ કરીને રોડ રસ્તા અને અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહારને અસર પડી છે.  એકબાજુ ભારતને પાકિસ્તાન પર મોડી રાતે એરસ્ટ્રાઈક કરી તો બીજી બાજુ અમદાવાદ શહેરમાં મોડી રાતે કમોસમી વરસાદે રમઝટ બોલાવી હતી. મોડી રાતથી જ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારબાદ આજે બુધવારે બપોરના સમયે પણ વરસાદના ઝાપટાં પડ્યા હતા. ભારે વરસાદને લીધે મકરબા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. સવારના લગભગ 8 વાગ્યે પણ સાંજનો સમય હોય તેવા દૃશ્યો સર્જાયા છે. ઘટાટોપ વાદળોને લીધે સૂર્યનારાયણે પણ દર્શન દીધા નહતા.

શહેરમાં ભારે વરસાદને લીધે વેજલપુર, જુહાપુરા, એસ.જી.હાઈવે, વટવા, નારોલ, પાલડી સહિતના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે ઓફિસો જનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.  મકરબા રેલવે ક્રોસિંગ અન્ડર પાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ અન્ડરપાસ ગટરના પાણીથી ભરાયો છે. પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે. SG હાઈવે, ચાણક્યપુરી, ગોતા સહિતના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here