અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદમાં ‘ભારત, ભાગ્ય, વિધાતા – રાષ્ટ્ર પ્રથમ’ કાર્યક્રમ યોજાયો હતો. દેશની સંસ્કૃતિ અને સમૃદ્ધિના જતન ઉપરાંત સમાજસેવા, કલા, રમતગમત, વૈજ્ઞાનિક અને અધ્યાત્મિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન દ્વારા રાષ્ટ્રનિર્માણમાં મહત્વનું યોગદાન આપનારા મહાનુભાવોને આ પ્રસંગે ‘ફિલિંગ્સ પ્રાઈડ ઓફ ઇન્ડિયા એવોર્ડ ૨૦૨૫’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ એવોર્ડ વિતરણ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે કોઈ પણ સમાજ માટે સૌભાગ્યની વાત હોય છે, જ્યારે તે સમાજના પ્રતિષ્ઠિત લોકો ભેગા થઈને સમાજના સર્વાંગી વિકાસમાં યોગદાન આપે છે. આજે પુરસ્કાર મેળવનાર તમામ મહાનુભાવો આ દેશને વિવિધ ક્ષેત્રોમાં આગળ લઈ જવા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યા છે, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ એવોર્ડ પ્રાપ્ત કરનાર તમામને શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વેદોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભગવાન તેમને જ મળે છે જે પોતાના આત્માને અન્ય જીવોમાં જુએ છે અને તમામ જીવોને તેના આત્મામાં જુએ છે. જ્યારે વ્યક્તિ પોતાની વિચારસરણીને વિસ્તૃત કરીને ‘વસુધૈવ કુટુંબકમ’ ની ભાવના અપનાવે છે, ત્યારે જ તે સાચો આત્મવિકાસ પ્રાપ્ત કરે છે.ભગવાન મહાવીર સ્વામીએ આપેલા પાંચ સિદ્ધાંતો – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, આ બધા સાર્વત્રિક સિદ્ધાંતો છે. સત્ય એ પરમ ધર્મ છે. અસત્ય ક્યારેય ટકી શકતું નથી. તેવી જ રીતે અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને જીવનમાં ઉતારીને શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ.
ભારત ભાગ્યવિધાતા એવોર્ડ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જલિયાંવાલા બાગની કરુણાંતિકાના ૧૦૬મા સ્મૃતિ દિવસ પર સૌ શહીદોની દિવ્ય ચેતનાને વંદન કરતા જણાવ્યું હતું કે આપણો દેશ આજે સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે.
અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા ભારતનું ભાગ્ય અનેક વીર શહીદોના બલિદાનની ગાથાઓથી લખાયેલું છે. સ્વરાજ અને સ્વતંત્રતાની જંગમાં પોતાનું સર્વસ્વ બલિદાન કરનારા આવા વીર સપૂતો ભારતના ભાગ્ય વિધાતા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નામી-અનામી અનેક વીરોના સમર્પણ અને બલિદાનથી મળેલી આઝાદીનો અમૃતકાળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહ્યો છે. આઝાદીની શતાબ્દી સુધીના આવનારા ૨૫ વર્ષના સમયને તેમણે કર્તવ્યકાળ કહ્યો છે. વિકસિત ભારતના નિર્માણમાં ભારતના ભાગ્ય વિધાતા બનવાનો અવસર પૂરો પાડનારો આ કાળ છે. દેશ પ્રથમનો ભાવ હૈયે રાખનાર પ્રતિભાઓને સન્માનિત કરવાનો આજના એવોર્ડ સમારંભનો કાર્યક્રમ પ્રશંસનીય છે એમ તેમણે ઉમેર્યું હતું.