અમદાવાદઃ શહેરમાં આજે પરશુરામજીની જન્મ જ્યંતિએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીની શોભા યાત્રા, પૂજા અર્ચના, આરતી સાથે સંતો મહંતો અને સામાજિક, રાજકીય અગ્રણીઓ દ્વારા પહેલગામ આતંકવાદી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 26 મૃતકોને મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.


અમદાવાદ શહેરમાં પાલડી વિસ્તારમાં રામજી મંદિર ખાતેથી પરશુરામ યાત્રાનો પ્રારંભ થયો હતો. અને પરશુરામ ચોકમાં યાત્રા સમાપન કરવામાં આવ્યું હતું. એ જ પ્રમાણે સારંગપુર કર્ણ મુક્તેશ્વર મહાદેવથી શરૂ થઈને  મૌન રેલી દ્વારા રાયપુર દરવાજા પાસે પરશુરામ યાત્રા સંપન્ન કરવામાં આવી હતી. સાથે સાથે નવા વાડજ વ્યાસવાડી ખાતે ભગવાન પરશુરામની પ્રતિમાને આરતી તથા હાર પહેરાવીને સૌ બ્રહ્મ સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો, સંતો મહંતો અને સનાતન ધર્મપ્રેમીઓએ ભગવાન પરશુરામના આશીર્વાદ લીધા હતા.

સનાતન હિન્દુ ધર્મના રક્ષક, આસુરી શક્તિનો નાશ કરનારા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજી, મહાદેવજી, બ્રહ્માજી, ભગવાન વિષ્ણુની સાથે ગાયત્રી માતા, અને ગંગા માતા સાથે સૌ દેવી દેવતા, ૧૮ પૂરાણો અને ચાર વેદોના રથ, રામધૂન અને ભજન સાથે ભગવાન પરશુરામજીની આરતી કર્યા બાદ શોભાયાત્રાનું સંતો, મહંતો, સામાજિક રાજકીય અગ્રણી , અને સૌ સનાતની ભક્તો દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ. યાત્રાના નિયત માર્ગ ઉપર ઠેર ઠેર સ્વાગતના પંડાલો લગાવવામાં આવ્યા હતા અને વૈશાખ મહિનાની તપતી ગરમીમાં ભાવિક ભક્તોને છાશ, કોલ્ડ્રીંક, આઈસ્ક્રીમ અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌ ધર્મપ્રેમી જનતાએ ભગવાન પરશુરામના શોભાયાત્રાના દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here