અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે બોપલ બ્રિજ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. પૂરફાટ ઝડપે ડમ્પરચાલકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલક યુવાનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવથી લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અને ડમ્પરચાલકને પકડીને પોલીસના હવાલે કર્યો હતો.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના ઘાટલોડિયામાં રહેતો 25 વર્ષીય ઉમંગ પટેલ જોયસ કેમ્પસમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો. ઉમંગની બહેન શીલજ ખાતે રહેતી હતી. ગઈકાલે રાત્રે ઉમંગની બહેન કૃપાએ ઉમંગનું અને તેનાં માતા-પિતાનું જમવાનું બનાવ્યું હતું. જેથી ઉમંગ તેનું સ્પ્લેન્ડર બાઇક લઈને શીલજ ખાતે જમવાનું લેવા જઈ રહ્યો હતો. શીલજ બોપલ બ્રિજ પર પહોંચતા એક ડમ્પરચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી જેના કારણે ઉમંગ રોડ પર પટકાયો હતો. રોડ પર પડવાના કારણે ઉમંગને શરીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજા થવાના કારણે ઉમંગનું સ્થળ પર જ મોત થયું હતું. અન્ય રાહદારીઓએ ડમ્પર ઊભું રખાવી ડમ્પરચાલક ગોવિંદ સોલંકીને પોલીસને સોંપ્યો હતો.
આ બનાવની જાણ થતા ઉમંગનાં માતા-પિતા પણ સ્થળ પર પહોંચ્યા હતાં. બોપલ પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.