અમદાવાદઃ શહેરના બોપલ, ઘુમા સહિતના વિસ્તારમાં તેમજ શહેરના અન્ય ક્રોસરોડ પર 2000 જેટલા સીસીટીવી કેમેરા લગાવવાનો મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય કર્યો છે. મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે રૂપિયા 25 કરોડ મંજુર કર્યા છે. અને ચાર મહિનામાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પૂર્ણ કરી દેવાશે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં આગામી 4 મહિનામાં 2 હજાર નવા સીસીટીવી લગાવાશે. જેથી નવા વિસ્તારોમાં સુરક્ષાની સાથે મોનિટરિંગ પણ વધશે. હાલમાં નવા વિસ્તારોમાં સીસીટીવીનું નેટવર્ક નથી, જેના કારણે આ વિસ્તારોમાં થતી શંકાસ્પદ કામગીરી અને પ્રાથમિક સુવિધા અંગેની કામગીરીનું યોગ્ય રીતે મોનિટરિંગ થઇ શકતું નથી. જેથી આ તમામ વિસ્તારોમાં સીસીટીવી લગાવવા જરૂરી છે. લોકોની માગને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ કમિટીમાં આ વિસ્તારોમાં નવા 2 હજાર સીસીટીવી કેમેરા લગાવાશે, આ માટે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં 25 કરોડનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. અમદાવાદ કોર્પોરેશનમાં છેલ્લા થોડા વર્ષોમાં ઘણા નવા વિસ્તારો ઉમેરાયા છે. આ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓની સાથે સવલત અને સુરક્ષાની જવાબદારી પણ મ્યુનિ. કોર્પોરેશનની હોય છે. છેલ્લા થોડા સમયથી પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં પણ સીસીટીવી ન હોવાથી કેસ સોલ્વ કરવામાં મુશ્કેલી ઉભી થઇ હતી. નવા વિસ્તારોમાં સીસીટીવી લાગવાથી સુરક્ષાની દ્રષ્ટીએ પણ નાગરીકોની સુવિધા વધશે.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના 105 ટ્રાફિક જંકશન, ઓવરબ્રિજ પર હાઈટેક સીસીટીવી કેમેરા લગાવાશે, જેમાં આઇઆઇએમ બ્રિજના બંને છેડે વંદેમાતરમ ચાર રસ્તા આઇસીબી ફ્લોરા ચાર રસ્તા, શુકન મોલ ચાર રસ્તા ,સરકારી વસાહત ત્રણ રસ્તા, રિવરફ્રન્ટ પૂર્વના તમામ પોઇન્ટ, કોમર્સ છ રસ્તા, અખબારનગર સર્કલ, સિલ્વર રેસિડેન્સી ચાર રસ્તા, થલતેજ ચાર રસ્તા, વાયએમસી ચાર રસ્તા, પ્રહલાદ નગર જંક્શન, કર્ણાવતી ક્લબ ચાર રસ્તા, રાજપથ ક્લબ કટ, પકવાન બ્રિજની ચારેય બાજુ, શાંતિપુરા સર્કલ નાના ચિલોડા રીંગરોડ સર્કલ જશોદાનગર ચાર રસ્તાનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here