અમદાવાદઃ શહેરમાં બહારગામના વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાતો પેઈંગ ગેસ્ટ (પીજી)માં રહેતા હોય છે. ઘણીવાર સોસાયટીના રહિશો દ્વારા પીજીના સંચાલકો સામે વિવાદ પણ ઊભો થયો હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પીજીના સંચાલકો માટે એસઓપી જાહેર કરવામાં આવી છે. જે મુજબ હવે સોસાયટી પાસેથી એનઓસી લેવાની ફરજિયાત રહેશે. એટલું જ નહી, ફાયર સેફ્ટી, પોલીસ અને મ્યુનિના એસ્ટેટ વિભાગ પાસેથી પણ ફરજિયાત મંજૂરી લેવાની રહેશે.પીજીના સંચાલકોએ આ નવા નિયમો લાગુ થયાના 30 દિવસની અંદર મ્યુનિ.કોર્પોરેશન સમક્ષ અરજી કરીને જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે. આ નવા નિયમોથી સોસાયટીઓમાં પીજીના કારણે થતી હેરાનગતિમાંથી રહીશોને મોટી રાહત મળશે.

અમદાવાદ શહેરમાં બહારગામના અનેક વિદ્યાર્થીઓ તેમજ બહારથી એકલા નોકરી-ધંધાર્થે આવેલા લોકો પેઈંગ ગેસ્ટ (પીજી)માં રહેવાનું પસંદ કરતા હોય છે. કારણ કે પીજીમાં બે ટાઈમ ભોજન, સવારે નાસ્તો-ચા અને વાઈફાઈ સહિત અન્ય સુવિધાઓ પણ મળી રહેતી હોય છે. જે સોસાયટીઓમાં મકાન ભાડે રાખીને અથવા ખરીદીને પીજી ચલાવતા સંચાલકોને સોસાયટીના રહિશો સાથે માથાકૂટ થતી હોય છે. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પીજીના સંચાલકો માટે નવી એસઓપીની જાહેરાત કરવામાં આવી છે. હવેથી કોઈપણ પીજી આવાસ સોસાયટીના ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (NOC) વિના ચલાવી શકાશે નહીં. આ જોગવાઈ પીજીના કારણે થતી સમસ્યાઓ સામે સોસાયટીઓને સત્તાવાર અધિકાર આપશે. પીજી ચલાવવા માટે AMC દ્વારા ફાયર સેફ્ટી, પોલીસ અને એસ્ટેટ વિભાગની મંજૂરીઓ ફરજિયાત કરવામાં આવી છે. આનાથી પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ કે નોકરિયાતોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થશે. હોસ્ટેલની વ્યાખ્યામાં સમાવેશ થતાં હવે પીજી સંચાલકોએ 20 ટકા પાર્કિંગની જોગવાઈનું પાલન કરવું પડશે. આનાથી પાર્કિંગની સમસ્યા હળવી થશે. જો કોઈ જગ્યાનો હોમ સ્ટે તરીકે ઉપયોગ કરવો હોય, તો તેના માટે ટુરીઝમ વિભાગ પાસેથી પણ મંજૂરીઓ લેવી ફરજિયાત રહેશે. પીજીને હવે હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યા છે. આનાથી તેમના પર લાગુ પડતા નિયમો અને કાયદાકીય જોગવાઈઓ સ્પષ્ટ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here