અમદાવાદઃ શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવે છે. શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પર્યાવરણની જાળવણી માટે એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) અને રાસાયણિક રંગોવાળી ગણપતિ મૂર્તિનો ઉપયોગ ઘટાડીને છાણ અને માટીમાંથી બનેલી ઈકો-ફ્રેન્ડલી મૂર્તિનો વપરાશ વધારવાનો છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિવિધ ખાનગી, જાહેર, સામાજિક અને સરકારી સંસ્થાઓના સહયોગથી ગણેશજીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિનો વપરાશ વધારવાની પહેલને વેગ આપવામાં આવી રહ્યો છે. આ પ્રયાસ હેઠળ, કરૂણા મંદિરના “ઝીરો વેસ્ટ કેમ્પસ” મોડેલનો ઉપયોગ કરીને ગૌવંશના છાણમાંથી બનતી મૂર્તિ, પોટ અને દીવાનો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. મ્યુનિ. આ પ્રોડક્ટ્સ ખરીદીને તેનો ઉપયોગ કરાશે, અને તેના વેચાણ માટે જાહેર સ્થળોએ વિનામૂલ્યે જગ્યા પણ ફાળવશે. આ અભિયાનનું મુખ્ય ફોકસ POPની મૂર્તિથી થતા નુકસાન અંગે જાગૃતિ લાવવાનું છે. POP ની મૂર્તિનું વિસર્જન જળ પ્રદૂષણ ફેલાવે છે, જે જળાશયો અને નદીઓની જીવસૃષ્ટિ માટે અત્યંત હાનિકારક છે. મૂર્તિઓમાં વપરાતા રાસાયણિક રંગ, જેમ કે મરક્યુરી અને લેડ, પાણીને ઝેરી બનાવે છે. જેના કારણે જળચર જીવો અને વનસ્પતિને નુકસાન થાય છે.આનાથી વિપરીત, છાણ અને માટીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ પર્યાવરણ માટે લાભદાયી છે. વિસર્જન બાદ આ મૂર્તિ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. જો આ મૂર્તિમાં વૃક્ષોના બીજ નાખવામાં આવે, તો વિસર્જન બાદ તેમાંથી છોડ ઉગી શકે છે, જે “વિસર્જનમાંથી નવસર્જન” નો સંદેશ આપે છે.
મ્યુનિ. દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ ગણેશ ચતુર્થી પર પર્યાવરણને અનુકૂળ મૂર્તિનો ઉપયોગ કરીને ગૌ-સેવાના ઉમદા કાર્યમાં સહભાગી બને અને પર્યાવરણની જાળવણીમાં પોતાનું યોગદાન આપે. આ અભિયાનથી માત્ર પર્યાવરણનું રક્ષણ જ નહીં, પરંતુ ધાર્મિક શ્રદ્ધા અને પ્રકૃતિ વચ્ચે સુમેળ પણ જળવાઈ રહેશે.