અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસથી સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે શહેરના જોધપુર અને ઘાટલોડિયા વિસ્તારમાં વર્ષો જૂના મકાનોના ભાગ ધરાશાયી થવાની ઘટના બની હતી. આજે સોમવારે સવારના સમયે જોધપુર વિસ્તારમાં સૂર્ય સાગર ફ્લેટની બાલકનીનો ભાગ ધડાકા સાથે તૂટી પડતા નીચે પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું હતું. જ્યારે બીજા બનાવમાં ઘાટલોડિયા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટના ફ્લેટનો એક સ્લેબનો ભાગ ધરાશાયી થયો હતો, જેના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. બંને ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

ફાયર બ્રિગેડના સૂત્રેમાંથી મળેલી વિગત મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે ગાયત્રી એપાર્ટમેન્ટ આવેલો છે. જ્યાં એક મકાનનો સ્લેબનો ભાગ અચાનક જ સવારના સમયે ધરાશાયી થયો હતો. જો કે આ સમયે ત્યાં કોઈ હાજર નહોતું જેથી કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી. ઘટના બનતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અન્ય મકાનમાં રહેલા લોકોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુર વિસ્તારમાં સૂર્યસાગાર એપાર્ટમેન્ટના એક મકાનના બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. બ્લોક-એના પાછળના ભાગમાં વોશ એરીયા/બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. બાલ્કનીનો ભાગ પડતાની સાથે નીચે પડેલા ત્રણથી ચાર વાહનોને નુકસાન થયું હતું. ઘટના સ્થળે જે તે સમયે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આ બનાવની જાણ થતાં મ્યુનિ. કોર્પોરેશનની ટીમ ત્યાં પહોંચી હતી અને બેરીકેડિંગ કરવામાં આવ્યું છે અને હાલમાં ભયજનક ભાગ ઉતારવાની કામગીરી શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here