અમદાવાદઃ શહેરના ગલબાઈ ટેકરાથી પાંજરાપોળ જતા રોડ પર વર્ષોથી દબાણો ખડકાયેલા હતા. રોડ પરના દબાણોને કારણે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળતી હતી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે સવારથી ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળ જતા રોડ પર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં 50 જેટલા ઝૂંપડા અને કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ટીપી રોડને ખુલ્લા કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. ગોમતીપુર બાદ આજે નવરંગપુરાના ગુલબાઈ ટેકરાથી પાંજરા પોળ તરફ જતા રોડ પરના દબાણો હટાવવા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગુલબાઈ ટેકરા ચાર રસ્તાથી પાંજરાપોળ તરફ જવાના રોડ ઉપર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. દબાણો હટાવવાની કામગીરી દરમિયાન ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળ તરફ જવાનો રસ્તો પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરમાં અનેક રોડ રસ્તાઓ પર દબાણો ખડકાયેલા છે. ગેરકાયદેસર દબાણ અને ટ્રાફિકને લઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા એએમસીને ટકોર પણ કરવામાં આવી હતી. ત્યારે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં જે વિસ્તારમાં રોડ ઉપર દબાણ કરી દેવામાં આવેલા છે ત્યાં દબાણો દૂર કરવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નવરંગપુરા વિસ્તારમાં ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળ તરફ જવાના રોડ પર દબાણો થઈ ગયા હતા. વર્ષોથી કરવામાં આવેલા દબાણોને આજે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા બેથી વધુ જેસીબી અને 10 જેટલા નાના-મોટા વાહનો સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 100 મીટરના અંદાજે 24 મીટર જેટલા પહોળો રોડ પર અડધો રોડ દબાણોના કારણે રોકાઈ ગયો હતો. તાડપત્રીથી બાંધેલા ઝૂંપડા અને અન્ય દબાણોના કારણે ત્યાંથી વાહનો પસાર થવામાં તકલીફ પડતી હતી. જેથી રોડ પરના દાબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ગુલબાઈ ટેકરા વિસ્તારનો આ રોડ વર્ષોથી દબાણના કારણે ખુલ્લો કરવામાં આવતો નહોતો. આ દબાણો દૂર કર્યા બાદ ફરી દબાણ ન થાય તે રીતનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.