અમદાવાદઃ શહેરના ગીતા મંદિર નજીક આવેલા એસટીના મુખ્ય બસ સ્ટેશનની બહાર લારી-ગલ્લાઓના દબાણો અને રિક્ષાઓ આડેધડ પાર્ક કરાતી હોવાથી પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. રાજ્યના તમામ એસટી બસ સ્ટેશનોમાં અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટેશન પ્રવાસીઓથી 24 કલાક વ્યસ્ત રહે છે. અને રોજ 3000થી વધુ એસટી બસોની આવન-જાવન થાય છે. બસ સ્ટેશનની બહાર દબાણોને લીધે એસટી બસના ચાલકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે એસટી નિગમ દ્વારા અમદાવાદના મ્યુનિ. કમિશનર તેમજ પોલીસ કમિશનરને પત્ર લખીને ગીતા મંદિર એસ ટી બસ સ્ટેશનની બહારના દબાણો દૂર કરવાની માગ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય એસટી નિગમનું સૌથી મોટુ બસ સ્ટેશન અમદાવાદના ગીતામંદિર ખાતે આવેલું છે. સૌથી વ્યસ્ત ગણાતા એવા અમદાવાદના એસ.ટી બસ સ્ટેશનની બહાર ટ્રાફિક અને દબાણોને લઈને ખૂબ જ મોટી સમસ્યા સર્જાય છે. લારી ગલ્લાઓના કારણે ગંદકી અને રિક્ષાવાળાઓના કારણે પેસેન્જરને તકલીફ પડતી હોવાને લીધે ગુજરાત એસટી નિગમના અમદાવાદ ડિવિઝનના વિભાગીય નિયામક દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખી લારી ગલ્લાના દબાણો દૂર કરવા તેમજ તેમની બહાર ઉભી રહેતી રિક્ષાઓ દૂર કરાવવા માટે વિનંતી કરવામાં આવી છે. ગીતા મંદિર બસ ડેપોની બહાર ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા અગાઉ પણ પત્રો લખવામાં આવ્યા હતા પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

અમદાવાદ એસટી ડિવિઝનના વિભાગીય નિયામકે જણાવ્યું હતું કે,  અમદાવાદ શહેરમાં ગીતામંદિર પાસે આવેલા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં પ્રતિદિન 3000 જેટલી બસોની તેમજ આશરે 1.50 લાખ જેટલા મુસાફરોની અવર જવર થાય છે. બસ સ્ટેશનની આસ પાસ ખાણી પીણીના લારી, ગલ્લાઓના દબાણના કારણે બસ સ્ટેશનની આજુ બાજુના વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી થાય છે. જેથી બસ સ્ટેશનની આસ પાસના લારી ગલ્લાઓ તેમજ ખાણી પીણીની લારી ગલ્લાઓ દુર કરાવવામાં આવે જેનાથી સ્વચ્છતા જળવાઈ રહેશે અને રોડ પરના ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે.

આ ઉપરાંત બસ સ્ટેશનની આજુ બાજુ રિક્ષાચાલકો દ્વારા બસ સ્ટેશનના બસોના અવર જવર કરવાના રસ્તાઓ તેમજ મુસાફરોની અવર જવર કરવાના રસ્તાઓ ઉપર અનઅધિકૃત રીતે પાર્કિંગના કારણે એસટી બસોને પસાર થવામાં અડચણરૂપ થાય છે. અકસ્માત થવાના બનાવો થાય છે. મુસાફરોની અવર જવર કરવાના રસ્તાઓ ઉપર પાર્કિંગ કરવાના કારણે મુસાફરોને અવર જવર થવામાં પણ અડચણ રૂપ થાય છે. રિક્ષા ચાલકો અને મુસાફરો સાથે પણ ઘર્ષણ થાય છે. ઉચ્ચ કક્ષાએ અવાર નવાર ગંભીર ફરીયાદો ઉપસ્થિત થવા પામે છે. જેથી અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશનની આજુ બાજુના દબાણો તેમજ અને અધિકૃત પાર્કિંગ દુર કરવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here