અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્રરૂપ ધારણ કર્યું છે. પુરુષોત્તમ રૂપાલા સામે ઠેર-ઠર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે આજે 2 એપ્રિલના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ-અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા. સૂત્રોચાર સાથે હાથમાં બેનર લઈને રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. કલેક્ટર કચેરીની બહાર 200થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા.આ ઉપરાંત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી કાઢવામાં આવી છે. બત્રીસી ભવનથી કલેક્ટર કચેરી સુધી ક્ષત્રિય સમાજની રેલી યોજાઇ હતી. આ રેલીમાં 1 હજારથી વધુ ક્ષત્રિયો જોડાયા હતા. રેલીમાં રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા હતા. કલેક્ટર કચેરીમાં મહિલાઓને સાથે રાખી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ​​​​​​લોકસભા ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ અગાઉ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ કરી છે.આ મામલે સમાજના આગેવાન ઋતુરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓનું અપમાન કર્યું છે. ભાજપ જે રામના નામે વોટ માંગે છે, તે રામ પણ ક્ષત્રિય સમાજના હતા. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. અત્યારે સરકારની બેઠક ચાલી રહી છે, તેમાં ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોને બોલાવવામાં આવ્યા નથી. સરકાર સાથે કોઈપણ સંજોગમાં સમાધાન કરવામાં નહીં આવે. રૂપાલાને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે તો ક્ષત્રિય સમાજ વિરોધ કરશે.વધુમાં સમાજના આગેવાન શિલ્પાબાએ જણાવ્યું હતું કે, રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે જે વાણીનો ઉપયોગ કર્યો છે, તેનો અમે વિરોધ કરી રહ્યાં છીએ. અમારી ભાજપ પાસે સ્પષ્ટ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેની જગ્યાએ અન્ય કોઈપણ સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. રૂપાલા ચૂંટણી લડશે તો અમે છેક સુધી વિરોધ કરીશું. ક્ષત્રિય સમાજના ઇતિહાસથી સૌ કોઈ વાકેફ છે. ભૂતકાળમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ જૌહર પણ કર્યું છે. આજે કળિયુગમાં પણ જરૂર પડે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ જૌહર કરવા પણ તૈયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here