અમદાવાદઃ શહેરમાં જાહેર પરિવાહનની સેવા એવી એએમટીએસ બસની અનિયમિતતા, બસસ્ટોપ પર બસ ઊભ ન રાખવી, પૂર ઝડપે બસ ચલાવવા, પ્રવાસીઓ સાથેનું ગેરવર્તન, એએમટીએસ બસ સ્ટેન્ડ અને બસમાં ગંદકી સહિતની અનેક ફરિયાદો હોય છે. આવી ફરિયાદો કરવા જવા માટે લોકો પાસે સમયનો અભાવ હોય છે. ત્યારે હવે એએમટીએસ સત્તાધિશોએ લોક ફરિયાદ માટે બે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકા વોટ્સએપના માધ્યમથી ફરિયાદ કરી શકશે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) બસમાં પ્રવાસીઓ બસ સેવાને લગતી કોઈપણ ફરિયાદ હવે વ્હોટ્સએપ કરી નોંધાવી કરી શકે છે.  8511171941 અને 8511165179 બે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યા છે. બંને નંબર ઉપર કોઈપણ પ્રવાસીઓ ફોટા અને વીડિયો મોકલીને ફરિયાદ નોંધાવી શકે છે. એએસટીએસ  બસને લગતી કોઈ ફરિયાદ જેમ કે, ડ્રાઇવર દ્વારા ઓવર સ્પીડમાં બસ ચલાવવી, સ્ટેન્ડ પર બસ ઉભી રાખવી નહીં, મુસાફરો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન, ગંદકી, અવ્યવસ્થા તેમજ અન્ય કોઈ ખામી અંગેની ફરિયાદ કરી શકે છે. તંત્ર દ્વારા પ્રવાસીઓ ફરિયાદના આધારે તપાસ કરી જે તે જવાબદાર વ્યક્તિ અથવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અંદાજે એક લાખથી વધારે પ્રવાસીઓ દરરોજ AMTS બસમાં મુસાફરી કરતા હોય છે. ત્યારે મુસાફરોને સારી સુવિધા અને પરિવહન સેવાને વધુ સારી બનાવવા તેમજ સુરક્ષિત મુસાફરી કરવા મળે તેના માટે આ ફરિયાદ નંબર જાહેર કરવામાં આવ્યો છે.

આ અંગે એએમટીએસના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, બસમાં મુસાફરી કરનારા પ્રવાસીઓને વધારે સારી સુવિધા મળી રહે અને પરિવહન સેવાને વધુ સારી બનાવવા માટે બે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ટેલિફોનિક ફરિયાદ કરી શકતા હતા, જે ફરિયાદ નોંધવામાં આવતી હતી અને ત્યારબાદ તેમાં કાર્યવાહી થતી હતી. પરંતુ હવે પ્રવાસીઓ સ્થળ ઉપરથી જ ફોટા અને વીડિયો મોકલીને ફરિયાદ નોંધાવી શકે છે. ડ્રાઇવર વધુ સ્પીડમાં ગાડી ચલાવ્યા અથવા કોઈ ખોટું થઈ રહ્યું છે તો તરત જ ફોટો અને વીડિયો ઉતારીને વ્હોટ્સએપ પર મોકલી આપશે. જે ફરિયાદ અંગે તપાસ કરી કાર્યવાહી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here