અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશન એરપોર્ટ પર દૂબઈથી ફ્લાઈટ આવ્યા બાદ એરપોર્ટના ટોયલેટમાં તપાસ કરતા સોનાની પેસ્ટના બે પાઉચ મળી આવ્યા હતા.એમાંથી શુદ્ધિકરણ બાદ રૂ. 1.93 કરોડનું સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા બનાવમાં કમ્બોડિયાથી આવેલી બે પ્રવાસીઓ પાસેથી 52,400 સિગારેટ સ્ટિક્સ ઝડપી લેવામાં આવ્યા હતા.
શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) પર કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા બે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દુબઈથી આવતી ઈન્ડિગો ફ્લાઇટમાં આવેલી સોનાની પેસ્ટના બે પાઉચ એરપોર્ટના ટોયલેટમાંથી મળી આવ્યા હતા, જેમાંથી શુદ્ધિકરણ બાદ રૂ. 1.93 કરોડનું સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું. તે જ દિવસે બીજી કાર્યવાહી દરમિયાન કમ્બોડિયા મારફતે આવેલા બે પ્રવાસીઓ પાસેથી 52,400 સિગારેટ સ્ટિક્સ ઝડપી લેવામાં આવ્યા હતા.
સૂત્રોના કહેવા મુજબ અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ ખાતે એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) કસ્ટમ્સે 24 ઓગસ્ટને રવિવારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દુબઈથી અમદાવાદ આવેલી ઈન્ડિગો ફ્લાઇટ નંબર 6E-1478ની તપાસ દરમિયાન એરપોર્ટના ટોયલેટમાંથી બે શંકાસ્પદ પાઉચ મળી આવ્યા હતા, જેમાં સોનાની પેસ્ટ હોવાની શંકા હતી. કસ્ટમ્સ અધિકારીઓએ પાઉચમાંથી સોનાની પેસ્ટને એક્સટ્રેશન પ્રોસેસ દ્વારા શુદ્ધ કરી, જેમાંથી કુલ 1867.310 ગ્રામ વજનના 999 શુદ્ધતા ધરાવતા બે સોનાના બાર પ્રાપ્ત થયા હતા. આ સોનાની બજાર કિમત રૂ. 1,93,26,659/- છે. આ સોનુ કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત વધુ એક કાર્યવાહી દરમિયાન કુલ 52,400 સિગારેટ સ્ટિક્સ બે પ્રવાસીઓ પાસેથી જપ્ત કરવામાં આવી હતી. આ મુસાફરો કમ્બોડિયાથી મલેશિયા મારફતે ફ્લાઇટ નંબર MH-202 દ્વારા અમદાવાદ પહોંચ્યા હતા. કસ્ટમ્સ વિભાગે બંને ઘટનાઓ અંગે તપાસ શરૂ કરી છે અને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગની કડી શોધવા વધુ વિગતો એકત્રિત કરી રહી છે.