અમદાવાદઃ  ગાંધીનગર અને અમદાવાદની હદ સાથે જોડાયેલા ચાંદખેડા વોર્ડમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની વિકટ સમસ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં પીવાના પાણી માટે ટેન્કરો મંગાવવાની લોકોને ફરજ પડી રહી છે. લોકોને પીવા અને વાપરવા માટે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના તેમજ ખાનગી ટેન્કરોનો સહારો લેવો પડે છે. પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ખૂબ ભારે રોષ ફેલાયો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના કોર્પોરેટર હોવા છતાં પણ છેલ્લા એક મહિનાથી નાગરિકોની સમસ્યાનું નિરાકરણ લાવી શક્યા નથી. ભાજપના કોર્પોરેટર દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ મ્યુનિના અધિકારીઓએ ધ્યાન આપતા નથી.

શહેરના ચાંદખેડા વોર્ડના ભાજપના કોર્પોરેટર અરુણસિંહ રાજપૂતે મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર વિભાગના અધિકારીઓ ઉપર રોષ ઠાલવતા કહ્યું હતું કે, ‘અવારનવાર છેલ્લા કેટલાય સમયથી હું પાણીની સમસ્યા અંગે અધિકારીઓને રજૂઆત કરું છું. ડીકેબીન વિસ્તારમાં આવેલી શૈલગંગા પાણીની ટાંકી ઓછી ભરાય છે, જેના કારણે પૂરતા પ્રેશરથી પાણી આવતું નથી. જો પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હું મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે આંદોલન પર પણ બેસીશ. ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા ખૂબ હેરાન પરેશાન થઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલી જગ્યાએ ટેન્કર મોકલશે? ખાનગી ટેન્કરો ગરીબ પ્રજા લાવી શકે નહીં, જેથી તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માગ કરી છે.

ચાંદખેડા વિસ્તારની સ્થાનિક મહિલાઓએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, પીવાના પાણીની ખૂબ સમસ્યા છે. સવારના સમયે છોકરાઓને સ્કૂલે જવાનું હોય ત્યારે પાણી ભરવા માટે આવવું પડે છે. ટેન્કર આવે છે. તેમાં પણ લોકો લડતા હોય છે, ત્યારે બીજાના ત્યાંથી પાણી ભરીને લાવવું પડે છે. પાણી બે-ત્રણ દિવસ સુધી આવતું નથી અને બીજાના ઘરે કપડાં ધોવા માટે જવું પડે છે.’ જ્યારે અન્ય મહિલાએ પણ જણાવ્યું હતું કે, ‘કોઈ જોવા માટે આવતું નથી, અહીંયા છેલ્લા કેટલાય સમયથી પાણી નથી આવતું જેના કારણે અમે ખૂબ જ હેરાન થઈએ છીએ. સગાંવહાલાંના ઘરે નહાવા અમારે જવું પડે છે, છેલ્લા ત્રણ મહિનાથી પાણીની ખૂબ સમસ્યા છે.’

શહેરના ચાંદખેડા વિસ્તારમાં ક્યારેય પાણીની સમસ્યા સર્જાઈ નથી, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી ચાંદખેડા વોર્ડમાં શૈલગંગા પાણીની ટાંકીમાં પાણીનો સપ્લાય ખૂબ જ ઓછો આવી રહ્યો છે. પાણીનો સપ્લાય આજ દિન સુધી ક્યારેય ઓછો આવ્યો નથી, પરંતુ હવે કોઈ કારણોસર પાણીની ટાંકી આખી ભરાતી નથી, જેના કારણે ખૂબ સમસ્યા થઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના નેતાઓ અને અધિકારીઓ સ્કાડા મીટર લગાવ્યું અને કોર્પોરેટરો જોઈ શકે તેવી મોટી મોટી વાતો કરે છે, છતાં પણ પાણી ભરાતું નથી. તેના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here