અદાણી વિદ્યામંદિરના મેઘાવી છાત્ર વિવેકે વિશ્વ વિખ્યાત ઓક્સફર્ડ યુનિ.માં પ્રવેશ મેળવી અનોખી સિદ્ધી હાંસલ કરી છે. વિવેકને જૈવવિવિધતા, સંરક્ષણ અને નેચર રિકવરીમાં MSc કોર્સ માટે પ્રવેશપત્ર મળ્યો છે. તેને વેઇડનફેલ્ડ-હોફમેન સ્કોલર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં, વૈશ્વિક પડકારોનો ઉકેલ શોધી પરિવર્તનને સમર્થન આપતા આ સ્પર્ધાત્મક કાર્યક્રમને સંપૂર્ણ ભંડોળ પણ પૂરું પાડવામાં આવ્યું છે.
2009 માં વિવેક ચોવટિયા નામનો એક શરમાળ વિદ્યાર્થી અદાણી વિદ્યામંદિર અમદાવાદ (AVMA) માં પ્રવેશ્યો ત્યારે તેને સપનેય ખ્યાલ ન હતો કે એક દિવસ તે ઓક્સફર્ડમાં અભ્યાસ કરશે. એક સુરક્ષા ગાર્ડના પુત્ર તરીકે નમ્ર શરૂઆત કરતાં તેણે ઉંચા સપનાઓ જોયા હતા. તે સ્થિતિસ્થાપકતા, નિશ્ચય અને શિક્ષણની પરિવર્તનશીલ શક્તિનું ઉમદા ઉદાહરણ છે.
વિવેકે AVMAના વર્ગખંડોમાં ભણતર સાથે જીવન ઘડતરના પાઠ શીખ્યા. સમર્પિત શિક્ષકોનું માર્ગદર્શન અને ગુરૂકુલ સમા વાતાવરણમાં તેણે પ્રખરતા સાબિત કરી. 2019 માં 12મા ધોરણના PCB પ્રવાહમાં 85% માર્ક્સ મેળવી તેણે અસાધારણ સફર માટેનો માર્ગ મોકળો કર્યો. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ્રીમાં B.Sc. (Hons.) વિવેકને વાઇસ ચાન્સેલરનો ગોલ્ડ મેડલ મળ્યો.
વર્ગખંડ ઉપરાંત તેણે NCC નેવી કેડેટ કેપ્ટન તરીકે નેતૃત્વનું પ્રદર્શન કર્યું હતું. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ હૈદરાબાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ બાયોડાયવર્સિટી (ICFRE) ખાતે ઇન્ટર્ન તરીકે કેમ્પસ પ્લેસમેન્ટને દરકિનાર કરી વિવેકે છેલ્લા આઠ મહિનાથી ગુજરાત વન વિભાગ સાથે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જૈવવિવિધતા સંશોધનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.