ગાંધીનગરઃ વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર એવા યાત્રાધામ અંબાજીના મંદિરને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા “ઈટ રાઈટ પ્રસાદ” (Eat Right Prasad) પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા બદલ આપવામાં આવ્યું છે.
અંબાજી મંદિરમાં વર્ષ દરમિયાન અંદાજે 1.25 કરોડ જેટલા મોહનથાળ પ્રસાદનું વેચાણ થાય છે. આ પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ કડક માપદંડોનું પાલન કરવામાં આવે છે. આ પ્રમાણપત્ર એવા ધાર્મિક સ્થળોને આપવામાં આવે છે જેઓ પ્રસાદ તૈયાર કરતી વખતે અને વિતરણ કરતી વખતે ફૂડ સેફ્ટી, સ્વચ્છતા અને ગુણવત્તાના નિયમોનું સખત રીતે પાલન કરતા હોય.
આ પ્રમાણપત્ર મળવાથી અંબાજી મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનો પ્રસાદ પ્રત્યેનો વિશ્વાસ વધુ દૃઢ બનશે અને મંદિર દ્વારા કરવામાં આવતી સ્વચ્છતા અને ગુણવત્તા જાળવણીના પ્રયાસોને સત્તાવાર માન્યતા મળી છે.