અંબાજીઃ યાત્રાધામ અંબાજીના સર્વાંગી વિકાસ માટે સરકારે રૂપિયા 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ હાથ ધર્યો છે. વિકાસના કામોનો પ્રારંભ કરતા પહેલા અડચણરૂપ બનતા મકાનો તોડવામાં આવી રહ્યા છે. અંબાજીના રબારીવાસ વિસ્તારમાં આવેલા 89 મકાનોને તોડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં શક્તિ કોરિડોર, સતી સરોવર અને મંદિર સહિતના વિકાસ કાર્યો કરાશે.

અંબાજીમાં વહીવટી તંત્ર દ્વારા અડચણરૂપ બનતા અને ગેરકાયદે ગણાતા મકાનોમાં વર્ષોથી રહેતા તમામ રહીશોને નોટિસ આપવામાં આવી હતી. નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં બુધવારે સાંજથી હોલિડે હોમ પાછળથી રબારીવાસ સુધીના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 200થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

અંબાજીમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાતા લોકોના ટોળા એકઠા થયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા પ્રથમ તમામ મકાનોના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા બાદ જેસીબી મશીન વડે મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંબાજીના હોલિડે હોમ પાછળથી રબારીવાસ સુઘી 89 જેટલાં કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. મોટાભાગના રહીશો પોતાના ઘરની વસ્તુઓ અને બારી-બારણાં જાતે જ ઉતારીને અન્ય સ્થળે ખસેડી રહ્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ કામગીરી  મોડી રાત સુધી ચાલુ રહી હતી. વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here